આંદોલનમાં રવિવારની રજા રાખી નહીં
ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પર આંદોલનકારી શિક્ષકો દ્વારા સૂર્ય નમસ્કાર કરીને સુતેલી સરકારને જગાડવા પ્રયાસ કરાયો
ગાંધીનગર : સરકારની કુદરતી ન્યાયના સિદ્ધાતનો છેદ ઉડાડતી નીતિ સામે આંદોલન
કરવા પર ઉતરી આવેલા વ્યાયામ શિક્ષકો દ્વારા પોલીસની સતત દોડ પકડ છતં સતત ૧૪માં દિવસે
ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી પર સૂર્ય નમસ્કારનું આયોજન કરીને અનોખો વિરોધ કરવામાં
આવ્યો હતો. આંદોલનકારીઓએ રવિવારની રજા પણ રાખી ન હતી. આ સાથે હુંકાર કર્યો હતો, કે પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રખાશે.
વ્યાયામ શિક્ષકોના વિરોધ પ્રદર્શનને અટકાવવા માટે સરકારની
સુચના અનુસાર પોલીસ દ્વારા બળપ્રયોગ કરવા સાથે અત્યાર સુધીમાં પાંચ વખત અટકાયતી
પગલા લેવામાં આવ્યા છે. પરંતુ વિરોધના કારણો જાણવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઇ
પ્રયાસ કરાયો નહી હોવાનું શિક્ષકોએ જણાવ્યુ હતું. સરકારના શિક્ષણ વિભાગની ખેલ
સહાયક યોજનામાં દરેક નિયમોમાં વિસંગતતા હોવાના કારણે તેને રદ કરવાની અને વ્યાયામ
શિક્ષકોની કાયમી ભરતી કરવાની મુખ્ય માંગણી લાંબા સમયથી કરવામાં આવી રહી છે. ત્યારે
ધોરણ ૧થી ૮ના પ્રાથમિક વિભાગમાં તો વ્યાયામ શિક્ષક હોવા એ અનિવાર્ય હોવા છતાં
સરકાર દ્વારા બેદરકારી દાખવવામાં આવ્યાનો આક્ષેપ શિક્ષકોના સંગઠન દ્વારા કરવામાં
આવ્યો છે. આ ઓછું હોય તેમ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ૧૧ મહિનાના
કરાર આધારિત વ્યાયામ શિક્ષકો માટે વિટંબણાઓનો કોઇ પાર રહ્યો નથી. તેમને વર્ષમાં
ચાર મહિનાથી વધુ સમય ઘરે બેસી રહેવાનું થાય છે. પરિણામે પરિવારનો જીવન નિર્વાહ
કેવી રીતે કરવો તે પ્રશ્નો સામે આવ્યા છે. નજીવા વળતર સાથેની નોકરીમાં પણ
અનિશ્ચિતતાની સાથે કેવી રીતે કામ કરી શકાય તે વાત એર કન્ડિશન્ડ ચેમ્બરમાં બેસી
રહેલાઓને સમજાઇ રહી નથી. તેથી આંદોલનનો અંત હવે પ્રશ્નોનું નિરાકરણ થયે જ આવશે તેમ
જણાવ્યુ હતું.