વડોદરા,તા.30 નોકરી માટેની ટ્રેનિંગ આપતી કંપનીમાં હાઉસ કિપિંગનું કામ કરતા યુવાનને કંપનીના બે માલિકોએ ડિરેક્ટર બનાવવાની લાલચ આપી તેના નામે રૃા.૧૩.૯૦ લાખની લોન લઇ પૈસા હડપ કરી દેતા બંને ભેજાબાજો સામે ગુનો નોંધાયો છે.
વડસર બ્રિજ પાસે ઓમ રેસિડેન્સી ખાતે રહેતા કમલેશ ઇશ્વરભાઇ મેકવાને ભાયલીમાં સિલ્વરનેટ સોસાયટીમાં રહેતા હીરલકુમાર સતિષચન્દ્ર કંસારા અને સોહમ ઉપેન્દ્ર માંકડ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ભાયલી-વાસણારોડ પર વિહવ એક્ષલ્સ ખાતે યુવાનોને દરેક ફિલ્ડમાં નોકરી કરવા માટે ઓનલાઇન ટ્રેનિંગ આપતી કંપની વેલ્થ ટ્રેઇન પ્રા.લી. કંપનીમાં નોકરી કરવા માટે ગયો ત્યારે કંપનીના બંને માલિકોએ રૃા.૧૨ હજાર પગાર નક્કી કરી મને હાઉસ કિપિંગના કામ માટે નોકરી પર રાખ્યો હતો.
બે મહિના બાદ સોહમે મને જણાવેલ કે હું કંપનીમાં ડિરેક્ટર છું તમે પણ અમારી સાથે પાર્ટનરમાં આવી જાવ તો ત્રણે ભેગા મળીને બિઝનેસને વધારે ડેવલપ કરીશું અને જે નફો થશે તે વહેંચી લેશું. મેં કહ્યું મારે શું કરવું પડશે તો સોહમે કહ્યું રૃા.૧૦ થી ૧૫ લાખનું રોકાણ કરવું પડશે. મેં મારી પાસે આટલી મોટી રકમ નથી તેમ કહેતા સોહમે કહ્યું અમે તને લોન અપાવીશું તમારી લોન પાસ થાય તે રકમ અમને આપી દેજો જે ધંધામાં રોકીશું અને જે નફો થશે ત્રણે વહેંચી લઇશું, તમને જે લોન મળે તે કંપનીના નફામાંથી ભરી દેશું.
હું તેમની વાતમાં આવી ગયો હતો અને મારા નામના ડોક્યૂમેન્ટ બંનેએ લીધા બાદ વિવિધ ફાઇનાન્સમાંથી મારા નામે કુલ રૃા.૧૩.૯૦ લાખની લોન લીધી હતી અને ચાર્જ કપાઇને મારા એકાઉન્ટમાં રૃા.૧૧.૬૪ લાખ જમા થયા હતાં. બાદમાં આ રકમ મારી પાસેથી ઓનલાઇન બંનેએ મેળવી લીધી હતી અને બાદમાં હવે તમે ભાગીદાર બની ગયા છો તમારે નોકરી કરવાની જરૃર નથી પાર્ટનરશીપ કરાર કરી લઇશું. બે મહિના સુધી બંનેએ કોઇ કાર્યવાહી કરી ન હતી જેથી હું તપાસ કરવા જઉં ત્યારે મને ગોળ ગોળ ફેરવતા હતાં. હું સોહમના ઘેર ગયો તો ઉશ્કેરાઇને મને ધમકી આપી કે મારા ઘેર આવવું નહી, તમારી ઉપર કેસ કરીને ફસાવી દઇશું.