– સોજીત્રામાં 7 અને આણંદમાં 5 મિ.મી. વરસાદ
– ગણેશ મહોત્સવમાં વરસાદનું વિઘ્ન ન નડે માટે આયોજકોએ વોટરપ્રૂફ પંડાલની તૈયારી શરૂ કરી
આણંદ : શ્રાવણ મહિનાના અંતિમ દિવસોમાં હવે આણંદ જિલ્લામાં વરસાદનો બીજા રાઉન્ડ શરૂ થયો છે. આજે વહેલી સવારથી જ વાદળો ઘેરાયા હતા. આણંદ શહેર સહિત જિલ્લામાં વરસાદ થયો હતો. સોજીત્રામાં ૭ મિ.મી. અને આણંદમાં પાંચ મિ.મી. વરસાદ નોંધાયો છે. ખેડૂતોને પણ સિંચાઈના પાણીની તકલીફો દૂર થવા પામી છે.
આણંદ જિલ્લામાં બુધવાર સવારથી જ આકાશ વાદળછાયું રહેતા સૂર્યપ્રકાશની ઉણપ સાથે અંધકાર જેવો માહોલ આખો દિવસ રહ્યો હતો. આણંદ જિલ્લામાં કેટલાક સ્થળોએ ઝરમર વરસાદી ઝાપટાં પડયાં હતા. હવામાન ખાતાની કચેરીના આંકડા મુજબ જિલ્લામાંથી સોજીત્રામાં સાત મિ.મી. તથા આણંદમાં પાંચ મિ.મી. વરસાદ નોંધાયો હતો. બાકીના અન્ય તાલુકામાં વરસાદ નહીવત થવા પામ્યો છે. આણંદ શહેરમાં વરસાદી ઝાપટાંના પરિણામે રોડ પરના ખાડાંઓમાં પાણી ભરાયા હતા. ટ્રાફિકજામની સમસ્યાઓ પણ જોવા મળી હતી. વરસાદી માહોલ વચ્ચે બજારોમાં ચહલ-પહલ અને ઘરાકી ઓછી રહી હતી.
વરસાદી માહોલને જોતા આણંદ શહેર સહિત જિલ્લામાં ગણેશ મહોત્સવમાં વરસાદનું વિઘ્ન નડે નહીં માટે આયોજકોએ વોટરપ્રૂફ પંડાલ ઉભા કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ચોમાસુ ખેતીમાં હાલ કેળા, શાકભાજી, બાજરી, લીલો ઘાસચારો, ડાંગરનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે. વરસાદની ખેંચ બાદ ધીમી ધારે વરસાદ શરૂ થતા સિંચાઈના પાણીનો પ્રશ્ન હલ થવા સાથે કાચું સોનું વરસી રહ્યું હોય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.