વડોદરા,લવ મેરેજ કરનાર યુવતીને બ્લેકમેલ કરી જૂના બોયફ્રેન્ડ દ્વારા શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, ૨૧ વર્ષની યુવતીના થોડા સમય પહેલા લવ મેરેજ થયા હતા. લવ મેરેજ પહેલા તેને અન્ય એક યુવક માર્ગેશ ઉર્ફે મોન્ટુ સોલંકી (રહે. કોતર તલાવડી, માંજલપુર) સાથે મિત્રતા હતી. તોપ સર્કલ પાસે આવેલા ગાર્ડનમાં લઇ જઇને તેણે યુવતીને કિસ કરી હતી. તેનો વીડિયો ઉતાર્યો હતો. તે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આરોપી યુવતીને વડસર બ્રિજ પાસે આવેલી એક હોટલ મેટ્રોમાં લઇ ગયો હતો. જ્યાં તેણે યુવતીની મરજી વિરૃદ્ધ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આરોપીએ એવી ધમકી આપી હતી કે, જો તું આ વાત કોઇને કરીશ તો તને જાનથી મારી નાંખીશ અને તારો વીડિયો વાયરલ કરી દઇશ.