Ankleshwar Crime : અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામ ખાતે પારકી પંચાયતમાં પાડોશીઓ ઝઘડતા બંને પક્ષની સામસામી ફરિયાદના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસે આઠ વ્યક્તિઓ વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સારિકાબેન પાટીલએ ફરિયાદમાં કહ્યું હતું કે, ગઈ તા.2 ઓગસ્ટના રોજ સાંજે મેં તથા ગાયત્રી પાટીલ અને ભાગ્યશ્રી રાજપુત ઘર આગળ બેસ્યા હતા. તે વખતે સપના, સપનાની માતા તથા રમામણી પણ બહાર બેસ્યા હતા. અમે તે બંને વચ્ચે ફરિયાદ થયાના એક મહિનો પણ નથી થયો અને સાથે બેઠા છે તેવી વાતો કરતા હતા. બીજા દિવસે સપના અને તેની માતા ગાયત્રી બહેનને અપશબ્દો કહી રહ્યા હતા. જેથી મેં તથા મારા દેવર મૃત્યજય પાટીલ સપનાને કહેવા ગયા હતા કે, અમારા વિશે તું ખોટું કેમ બોલે છે. તે અંગે અમારી વચ્ચે ઝઘડો થયો હતો. મોડી રાત્રે રમામણીના પતિ તુષાર પટેલએ અમારા ઘરના દરવાજાને લાતો મારી હતી. ત્યારબાદ તુષાર હાથમાં ચાકુ લઈ “પેટ મેં ઘૂસા દુંગા તબ પતા ચલેગા” તેમ કહી ધમકી આપી હતી. અને મારા પતિ તથા દેવરને માર માર્યો હતો. ઉક્ત ફરિયાદના આધારે પોલીસે દંપતી તુષાર પટેલ અને રમામણિ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જ્યારે રમામણીએ ફરિયાદમાં કહ્યું હતું કે, સપના પાટીલ અને અમારી વચ્ચે સમાધાન થયું હતું. સપનાએ મને જણાવ્યું હતું કે, કાજલ પાટીલની ચઢામણીથી તારા વિરુદ્ધ અરજી કરી હતી. હું અને સપના તેના ઘરે બહાર રોટલા ઉપર બેસ્યા હતા. તે વખતે કાજલ પાટીલ અને તેની સાથેની બે થી ત્રણ મહિલાઓએ અમારી બીભત્સ ભાષામાં વાતો કરી હતી. કાજલ પાટીલ અને તેના પતિ પંકજ પાટીલે મારી સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ પંકજ પાટીલ, પંકજનો ભાઈ તથા સચિન રાજપૂતે મારા પતિને માર માર્યો હતો. ઉક્ત ફરિયાદના આધારે પોલીસે કાજલ પાટીલ ,પંકજ પાટીલ, તેનો ભાઈ અને સચિન રાજપુત સહિત છ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. અત્રે નોંધનીય છે કે, બંને પક્ષ વચ્ચે સમાધાનની વાત ચાલી રહી હોવા છતાં બોલાચાલી યથાવત રહેતા વિલંબથી ફરિયાદ આપી હતી.