India Nepal dispute Lipulekh: ભારત અને ચીન વચ્ચે લિપુલેખના માર્ગે વેપાર શરુ કરવા પર સહમતિ થયા બાદ નેપાળે નારાજગી વ્યક્ત કરી છે. નેપાળે નિરાશા વ્યક્ત કરતાં કહ્યું છે કે, આ વિસ્તાર તેનો અભિન્ન હિસ્સો છે. જે તેના સત્તાવાર નકશામાં પણ સામેલ છે. જો કે, ભારતીય વિદેશ મંત્રાલયે નેપાળના આ દાવાને ખોટો ઠેરવ્યો છે.
નેપાળના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ‘નેપાળ સરકાર સ્પષ્ટતા કરવા માંગે છે કે મહાકાલી નદીની પૂર્વમાં આવેલા લિમ્પિયાધૂરા, લિપુલેખ અને કાલાપાની નેપાળના અભિન્ન અંગ છે. તેમને નેપાળના નકશામાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યા છે અને આ વાત અમારા બંધારણમાં પણ નોંધાયેલી છે.’
આ મુદ્દે નેપાળમાં થયા હતા હિંસક દેખાવો
ભારત હંમેશા કહેતું આવ્યું છે કે લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધૂરા તેના ક્ષેત્રમાં આવે છે. પરંતુ નેપાળમાં આ એક ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે. વર્ષ 2020માં આ જ મુદ્દે નેપાળમાં હિંસક દેખાવો થયા હતા. મંગળવારે નવી દિલ્હીમાં ભારત અને ચીન વચ્ચે થયેલી વ્યાપક વાતચીત બાદ જાહેર થયેલા સંયુક્ત દસ્તાવેજમાં બંને દેશો વચ્ચે લિપુલેખના માર્ગે વેપાર પર સહમતિ નોંધાઈ હતી. જેના પર નેપાળે રોષ વ્યક્ત કર્યો હતો.
ભારતે આપ્યા આકરા જવાબ
નેપાળ સરકારના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે આવા દાવા પાયા વિહોણા છે અને જેમાં કોઈ ઐતિહાસિક તથ્યો કે પુરાવાઓ નથી. ભારત અને ચીન વચ્ચે લિપુલેખ ઘાટથી સરહદી વેપાર 1954માં શરુ થયો હતો અને ઘણા દાયકાઓથી ચાલુ છે. તાજેતરના વર્ષોમાં આ વેપાર કોવિડ અને અન્ય કારણોસર બંધ થઈ ગયો હતો, પરંતુ હવે બંને પક્ષોએ તેને ફરીથી શરુ કરવા પર સહમતિ વ્યક્ત કરી છે. જ્યાં સુધી પ્રાદેશિક દાવાની વાત છે, તો અમારી સ્થિતિ સ્પષ્ટ છે કે આવા દાવા ન તો યોગ્ય છે અને ન તો ઐતિહાસિક તથ્યો અને પુરાવાઓ પર આધારિત છે. કોઈપણ પ્રકારના એકતરફી દાવા સ્વીકારવામાં આવશે નહીં.
આ પણ વાંચોઃ યુદ્ધવિરામની આશા વચ્ચે રશિયાનો યુક્રેન પર ભયાનક હુમલો, 570થી વધુ ડ્રોન, 40 મિસાઈલો ઝિંકી
લિપુલેખથી વેપાર માટે કર્યો કરાર
નવી દિલ્હીમાં મંગળવારે ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ વ્યાપક વાતચીત પછી એક સંયુક્ત દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યો હતો. તે દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું હતું કે, બંને દેશોએ સરહદી વેપારને ફરીથી શરુ કરવા પર સહમતિ વ્યક્ત કરી છે. આ વેપાર ત્રણ નિર્ધારિત માર્ગો- લિપુલેખ ઘાટ, શિપકી લા ઘાટ અને નાથુ લા ઘાટથી થશે.
નેપાળે ઉઠાવ્યો વાંધો
ભારત અને ચીન વચ્ચે લિપુલેખથી સરહદી વેપાર ફરી શરુ કરવાની જાહેરાત પર નેપાળના મીડિયાએ સવાલ ઉઠાવ્યા હતા. ત્યાર બાદ નેપાળના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લોક બહાદુર ક્ષેત્રીએ નિવેદન આપ્યું હતું કે, બધાને ખબર છે કે નેપાળ સરકાર સતત ભારત સરકારને કહી રહી છે કે આ ક્ષેત્રમાં સડક નિર્માણ કે વિસ્તરણ કરવામાં આવે નહીં, તેમજ સરહદી વેપાર જેવી કોઈ પ્રવૃત્તિ હાથ ન ધરાય. આ તથ્ય પણ સ્પષ્ટ છે કે નેપાળ સરકારે ચીન સરકારને પહેલાથી જ સૂચિત કરી દીધું છે કે આ વિસ્તાર નેપાળનો ભાગ છે. નેપાળ અને ભારત વચ્ચે સરહદી વિવાદનું સમાધાન બંને દેશોના સંબંધોની ભાવનાને અનુરૂપ, ઐતિહાસિક સમજૂતી, તથ્યો, નકશા અને અન્ય પુરાવાઓના આધારે રાજદ્વારી માધ્યમોથી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ અમેરિકાએ હવે ઈન્ટરનેશનલ કોર્ટ સામે કરી કાર્યવાહી, 4 જજ સામે મૂક્યો પ્રતિબંધ, નેતન્યાહુ સાથે કનેક્શન
શું છે વિવાદ?
લિપુલેખ નેપાળના ઉત્તર-પશ્ચિમમાં સ્થિત છે. જે ભારત, નેપાળ અને ચીનની સરહદ સાથે જોડાયેલું છે. ભારત આ વિસ્તારને ઉત્તરાખંડનો ભાગ માને છે, જ્યારે નેપાળ તેને પોતાનો વિસ્તાર ગણે છે. નવેમ્બર 2019માં ભારતે જમ્મુ-કાશ્મીરનું વિભાજન કરીને બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા અને આ સાથે જ નવો નકશો બહાર પાડ્યો હતો. આ નકશામાં આ વિસ્તારો સામેલ હતા. નેપાળે તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો કે, ભારત પોતાનો નકશો બદલે કારણ કે કાલાપાની નેપાળનો વિસ્તાર છે. જેના પાંચ મહિના પછી, મે 2020માં લિપુલેખને લઈને બંને દેશો વચ્ચે ફરી તણાવ વધ્યો હતો. 18 જૂન 2020ના રોજ નેપાળે બંધારણમાં સુધારો કરીને દેશના રાજકીય નકશાને અપડેટ કર્યો હતો. સુધારા પછી નેપાળના નકશામાં ત્રણ વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર- લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધૂરા દર્શાવવામાં આવ્યા હતા. ભારતે આને ‘એકતરફી પગલું’ ગણાવીને નેપાળના પ્રાદેશિક દાવાઓને ‘કૃત્રિમ વિસ્તરણ’ માનવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો. ભારત અને નેપાળ વચ્ચે 1,850 કિલોમીટર લાંબી સરહદ છે, જે સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડને અડીને આવેલી છે.