અંકલેશ્વર તાલુકાના નવાબોરભાઠા ગામ ખાતે અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. માતાજી ધૂણતી મહિલાએ શાકભાજીના વેપારીને તેની સોનાની બે ચેન અને વીંટીમાં મેલીવિદ્યા હોવાનું જણાવી ધાર્મિક વિધિના બહાને પડાવી લઈ તેમજ ક્રેડિટ કાર્ડ ઉપર બેડ ખરીદી અને રોકડા રૂ.20 હજાર મળી કુલ રૂ. 4.44 લાખ ઉપરાંત ઠગાઈ આચરી હતી.
અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ ખાતે રહેતા અને શાકભાજીનો વેપાર કરતા રોહનભાઈ જેન્તીભાઈ વસાવાએ ફરિયાદ નોંધાવી હતી કે, નવાબોરભાઠા ખાતે રહેતા પુષ્પાબેન કિરીટભાઈ વસાવાને દશામાં આવતા હોવાથી અમે અવારનવાર તેમના ઘરે જતા હતા. દરમ્યાન મારી માસી રેખાબેનને છેલ્લા એક મહિનાથી પેટમાં દુખાવો થતો હોય પુષ્પાબેનના ઘરે જઈ આ તકલીફ બાબતે જાણ કરી હતી. તેઓને દશામાં આવતા હોય અમને પગે લગાવી ફરી બોલાવ્યા હતા. ત્યારબાદ તા. 27 જુલાઈના રોજ હું પરિવાર સાથે પુષ્પાબેનના ઘરે ગયો હતો. તે વખતે પુષ્પાબેનએ મને કહ્યું હતું કે, “તમે ગળામાં પહેરેલ સોનાની ચેનમાં કોઈએ મેલી વિદ્યા કરી છે, આ ચેન પૂજામાં માતા પાસે મૂકવી પડશે અને ચેન છ દિવસ બાદ તમને પરત મળશે, અને તમારી તકલીફ દૂર થશે”. જેથી મે સોનાની ચેન પુષ્પાબેનને આપી હતી. બીજા દિવસે બીજી સોનાની ચેન અને વીંટીમાં પણ મેલીવિદ્યા છે જે લઈ તારી મમ્મી સાથે આવ તેવો મેસેજ કર્યો હતો. જેથી મે બીજી સોનાની ચેન તથા વીંટી આપી હતી. અને આ દાગીના પણ વિધિ પૂરી કરી સાત દિવસ બાદ પરત આપીશ તેવું કહ્યું હતું. ત્યારબાદ મારા નામ ઉપર રૂ. 15 હજારની કિંમતનો બેડ ક્રેડિટ કાર્ડ ઉપર તથા રોકડા રૂ. 20 હજાર લીધા હતા. આમ, રૂ.4, 09,500ની કિંમતની સોનાની બે ચેન તથા સોનાની વીંટી , રોકડા રૂ. 20 હજાર અને રૂ. 15 હજારની કિંમતનો બેડ મળી કુલ રૂ. 4,44,500ની મારી સાથે ઠગાઈ કરી છે. મારી વસ્તુઓ પાછી માંગતા તેઓ મને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપે છે.ઉક્ત ફરિયાદના આધારે અંકલેશ્વર સીટી એ ડિવિઝન પોલીસે પુષ્પાબેન વિરુદ્ધ ઠગાઈ તથા અંધશ્રદ્ધા અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો.