જીએસટીમાં વ્યાપક સુધારા માટે હવે પરિષદ અંતિમ નિર્ણય લેશે
લોકહિતમાં જીએસટી સુધારા માટે વિપક્ષના રાજ્યો સંમત પરંતુ બે સ્લેબ દૂર થવાથી થનારા નુકસાનની વિગતો માગી
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિને લાલ કિલ્લા પરથી જીએસટીમાં વ્યાપક સુધારાની જાહેરાત કર્યા પછી નાણામંત્રાલયે નેક્સ્ટ જનરેશન જીએસટી હેઠળ ચાર સ્લેબ ધરાવતા જીએસટીમાંથી ૧૨ અને ૨૮ ટકાના સ્લેબને દૂર કરવાની દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તને વિવિધ રાજ્યોના મંત્રીઓની પેનલે ગુરુવારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. જોકે, વિપક્ષ શાસિત કેટલાક રાજ્યોએ બે સ્લેબ દૂર થવાથી તેમની આવકને કેટલું નુકસાન થશે અને તેને કેવી રીતે સરભર કરાશે તેની વિગતો મંત્રાલય પાસેથી માગી છે.
બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના અધ્યક્ષપદે ગૂ્રપ ઓફ મિનિસ્ટર્સે ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના પાંચ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકાના ચાર સ્લેબમાંથી માત્ર પાંચ ટકા અને ૧૮ ટકા રાખવા તથા ૧૨ ટકા અને ૧૮ ટકાના સ્લેબને નાબૂદ કરવાની નાણાંમંત્રાલયની દરખાસ્ત પર ગુરુવારે ચર્ચા કરી હતી. જીએસટીમાંથી બે સ્લેબ દૂર કરવાની સાથે કેન્દ્ર સરકારે તમાકુ, સિગારેટ સહિત પસંદગીના ૫-૭ ઉત્પાદનો પર વિશેષ ૪૦ ટકા જીએસટીની પણ દરખાસ્ત કરી છે.
મંત્રીઓના જૂથે જણાવ્યું કે, સામાન્ય માણસને લાભ થયો હોય તો જીએસટીના દર ઘટાડવા માટે તેઓ સંમત છે. જોકે, કેટલાક સભ્યોએ હાઈ-એન્ડ કાર જેવી અતિ ધનિકો માટેની વસ્તુઓને વિશેષ ૪૦ ટકા ટેક્સના દાયરામાં લાવવાની માગ કરી છે. વધુમાં મંત્રીઓના જૂથની છ સભ્યોની પેનલમાં ત્રણ સભ્યો ભાજપ શાસિત રાજ્યો બિહાર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાંથી છે જ્યારે ત્રણ સભ્યો વિપક્ષ શાસિત કર્ણાટક, કેરળ અને પશ્ચિમ બંગાળમાંથી છે. આ સભ્યોની પેનલની ભલામણો હાઈ-પાવર્ડ જીએસટી પરિષદમાં રજૂ કરાશે. જીએસટીમાં વ્યાપક સુધારા અંગેનો અંતિમ નિર્ણય જીએસટી પરિષદ દ્વારા લેવાશે.
સમ્રાટ ચૌધરીએ જણાવ્યું કે, મંત્રીઓના જૂથે કેન્દ્રની બે સ્લેબના જીએસટીની દરખાસ્ત સ્વીકારી લીધી છે. આ દરખાસ્ત મુજબ જીએસટીમાંથી ૧૨ અને ૨૮ ટકાના સ્લેબ દૂર કરવામાં આવશે. અમે આ ભલામણોને મંજૂરી આપી છે. પાંચ ટકા સારી વસ્તુઓ અને સેવાઓ માટે તથા ૧૮ ટકા ટેક્સ સ્ટાન્ડર્ડ વસ્તુઓ અને સેવાઓ માટે હશે. બધા જ રાજ્યોએ કેન્દ્ર સરકારની આ દરખાસ્તને આવકારી છે. આ દરખાસ્ત સામાન્ય માણસોના હિતમાં છે. જોકે, તમાકુ ઉત્પાદનો અને અલ્ટ્રા લક્ઝરી કાર સહિત અલ્ટ્રા લક્ઝરી ગૂડ્સને ટોચના ૪૦ ટકા જીએસટીના ટેક્સ દાયરામાં રાખવા ભલામણ કરાઈ છે.
મંત્રીઓના જૂથે વ્યક્તિઓ માટે સ્વાસ્થ્ય અને જીવન વીમા પર જીએસટી છૂટ આપવાની કેન્દ્રની દરખાસ્તની પણ સમીક્ષા કરી હતી. આ છૂટથી કેન્દ્રને વાર્ષિક ૯૭૦૦ કરોડની આવક પર અસર પડી શકે છે. મોટા ભાગના રાજ્યોએ આ યોજનાને સમર્થન આપ્યું છે, પરંતુ એમ પણ કહ્યું છે કે તેનો લાભ સીધા પોલિસીધારકોને મળવો જોઈએ.
પશ્ચિમ બંગાળના નાણામંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્યે કહ્યું કે, જીએસટી દરોને તર્ક સંગત કરવા માટે મંત્રીઓના જૂથો સમક્ષ કેન્દ્ર સરકારે કરેલી દરખાસ્તમાં આવકમાં થતા નુકસાન અંગે કોઈ વાત કરાઈ નથી. જીએસટીના દરોને તર્ક સંગત કરવા સામે વિપક્ષને કોઈ વાંધો નથી, પરંતુ દરોમાં ઘટાડાથી તેમને કેટલું નુકસાન થશે તે વિપક્ષ જાણવા માગે છે. કારણ કે છેવટે રાજ્યોને જે નુકસાન થશે તેની સીધી અસર સામાન્ય માણસ પર જ પડશે.