– ડાકોર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીનો વિવાદ
– ભાજપના ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર અને ખેડા જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ દ્વારા ડાકોર શહેર પ્રમુખ પ્રિયંક પાલજાને ધમકાવાયા
અમદાવાદ : ડાકોર નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીનો વિવાદ વકર્યો છે. ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારના અંગત ગણાતા અને ભાજપના મેન્ડેટ વિરૂદ્ધ મતદાન કરીને બળવો કરનાર મહિલા સભ્ય વનિતા બહેન શાહના પતિ વિપુલ શાહને પાલિકાના પ્રમુખ બનાવી દેવાતા પાયાના કાર્યકરોમાં અસંતોષ સામે આવ્યો છે. જયારે ભાજપના સસ્પેન્ડેડ સભ્ય શિતલબહેન પટેલના પતિ વિપુલ પટેલને પણ મહામંત્રી બનાવવા માટે પાછલા બારણે હિલચાલ શરૂ થતાં કાર્યકરોમાં નારાજગી વ્યાપી છે. આ કાર્યકરોએ પ્રદેશ કક્ષા સુધી રજૂઆત કરી છે અને યોગ્ય પગલાં નહીં લેવાય તો ૧૬ મંડળના સભ્યોએ રાજીનામા આપી દેવાની પણ ચિમકી આપી છે.
ભાજપમાં સંગઠન પર્વ હાલમાં ચાલી રહ્યું છે અને ડાકોર શહેર પ્રમુખ પ્રિયંકભાઇ પાલજાની પાલિકાની ચૂંટણી પહેલા વરણી કરવામાં આવી હતી અને સંગઠનના અન્ય હોદ્દા પર નિમણૂક પ્રદેશ કક્ષાએથી હજુ કરાઇ નથી.
ભાજપ પક્ષમાંથી સસ્પેન્ડ થયેલા સભ્ય કે તેમના પરિવારના કોઇ પણ વ્યકિતને છ વર્ષ સુધી હોદ્દો આપવામાં આવતો નથી તેવો નિયમ છે. ડાકોર પાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની તા. ૫ માર્ચે ચૂંટણી યોજાઇ હતી. જેમાં ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર અને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે ડાકોર શહેર પ્રમુખ કે સંગઠનને વિશ્વાસમાં લીધા વગર ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારના ખાસ ગણાતા અને ગત ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વિરૂધ્ધ મતદાન કરનાર મહિલા સભ્ય વનિતા બહેન શાહના પતિ વિપુલ શાહને પાલિકાના પ્રમુખ બનાવી દેવામાં આવ્યા છે. આ મામલે ડાકોર શહેર પ્રમુખે પ્રદેશ પ્રમુખને પત્ર લખીને વિરોધ કર્યો હતો. તેમજ પ્રદેશ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવી છે. યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો ડાકોરમાં વિવાદ વકરવાની સંભાવના છે.
જેના પગલે ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર અને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે ડાકોર શહેર પ્રમુખ પ્રિયંક પાલજાને હોદ્દા પરથી દૂર કરવાની ધમકી આપી હતી.
હવે યોગેન્દ્રસિંહ પરમારના વિશ્વાસુ અને ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા મહિલા સભ્ય શિતલ બહેન પટેલના પતિ વિપુલ પટેલેને મહામંત્રી બનાવવા માટે તજવીજ શરૂ કરી છે. જેને લઇ ડાકોર ભાજપ શહેર સંગઠનમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિપુલ પટેલને મહામંત્રી બનાવવામાં આવશે તો શહેર સંગઠના ૧૬ મંડળના સભ્યો રાજીનામા આપી દે તેવી સ્થિતિ ઉભી થઇ છે. જેને લઇ રાજકારણ ગરમાયું છે.
સમગ્ર બાબત પાયાવિહોણી છે, ધારાસભ્યને પૂછો : ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ
ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, સમગ્ર બાબત પાયાવિહોણી છે, આ બાબત ધારાસભ્યને પૂછવાનું કહ્યું હતું. ભાજપની શિસ્ત બાબતે કોઈ જવાબ આપવાનું ટાળ્યું હતું.
ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારે ફોન ઉપાડવાની તસ્દી જ ન લીધી
ઠાસરા ભાજપના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારને આ બાબતે ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, તેમણે આ બાબતે ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી.