– નડિયાદ રેલવે સ્ટેશન પર
– ચેન્નાઇ એક્સપ્રેસ ટ્રેનમાં ટીટીઈની મુસાફર સાથે બોલાચાલી થતાં દોડધામ
નડિયાદ : નડિયાદ રેલવે સ્ટેશન પર ચેન્નાઇ એક્સપ્રેસ ટ્રેનના એક મુસાફર અને ટીટીઈ વચ્ચે ટિકિટ બાબતે માથાકૂટ થઈ હતી. ટીટીઈ દબંગાઈ પર ઉતરી આવ્યા હતા અને મુસાફર સાથે બોલાચાલી કરી હતી. આ દરમિયાન, ટીટીઈએ મુસાફરની કોલર પકડી ખેંચતાણ શરૂ કરી અને તેને ટ્રેનના કોચમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને કારણે નડિયાદ રેલવે સ્ટેશન પર ભારે હોબાળો મચી ગયો હતો.
ઘટના સમયે રેલવે સ્ટેશન પર હાજર નડિયાદ રેલવે પોલીસના કર્મચારીઓ તાત્કાલિક વચ્ચે પડયા હતા અને મુસાફરને ટીટીઈના હાથમાંથી છોડાવ્યો હતો. ટીટીઈ ભારે રોફ મારીને વાતાવરણ બગાડી રહ્યા હતા, જેને કારણે રેલવેના અન્ય કર્મચારીઓ પણ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
આ ઘટનાની જાણ થતાં જ નડિયાદના સ્ટેશન માસ્ટર પી.ડી. સિંહ પોતાની ઓફિસમાંથી બહાર દોડી આવ્યા હતા. મહિલા હેડ કોન્સ્ટેબલ ઈલાબેન અને અન્ય પોલીસ જવાનોએ ટીટીઈને શાંત પાડીને તેમને ટ્રેનમાં જવાનું કહી સમગ્ર મામલો થાળે પાડયો હતો.