– અમદાવાદ- ઈન્દોર હાઈવે ઉપર
– ગામથી 1.50 કિ.મી. દૂર સ્ટેન્ડના 4 પૈકી એક પિલર તૂટી પડતા વરસાદમાં લોકોને હાલાકી
કઠલાલ : અમદાવાદ- ઈન્દોર હાઈવે પર કઠલાલના પીઠાઈના પીકઅપ સ્ટેન્ડના ચાર પૈકીનો એક પિલર તૂટી પડતા મુસાફરો અંદર જતા પણ ભય અનુભવી રહ્યા છે. ત્યારે સત્વરે પીકઅપ સ્ટેન્ડનું સમારકામ કરાય તેવી માંગણી ઉઠી છે.
અમદાવાદ ઈન્દોર હાઈવે પર કઠલાલ તાલુકાનું પીઠાઈ પીકઅપ સ્ટેન્ડ જર્જરિત થઈ પડવાના વાંકે ઊભું છે. ચાર પૈકી એક પિલર જમીન દોસ્ત થઈ જતા રાહ જોતા મુસાફરો અંદર જતા ભય અનુભવે છે. મુસાફરો વરસતા વરસાદમાં પીકઅપ સ્ટેન્ડની બહાર બસની રાહ જોવા મજબૂર બન્યા છે. પીઠાઈ ગામથી દોઢ કિ.મી. દૂર પીઠાઈ પીકઅપ સ્ટેન્ડ બનાવવામાં આવતા મુસાફરોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રાતે પીકઅપ સ્ટેન્ડ અસામાજિક તત્વોનો અડ્ડો બની જાય છે. લાડવેલ પાસે લક્ષ્મણપુરા પીકઅપ સ્ટેન્ડ જમીનદોસ્ત થઈ ગયું અને લોકો પિલરો તોડીને સળિયા ધોળા દિવસે લઈ ગયા.
ત્યારે અમદાવાદ- ઈન્દોર હાઈવે ઉપર ગામોથી દૂર પીકઅપ સ્ટેન્ડ બનાવવામાં આવતા શોભાના ગાંઠિયા સમાન રહી જતા મુસાફરોને તેનો લાભ મળી શકતો નથી.