Jamnagar Heart Attack : જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં બે ખેડૂત યુવાનોના પરિવારમાં આભ ફાટી પડ્યું છે. 45 વર્ષ જેવી યુવાન વયે ખાનકોટડા તેમજ મકાજી મેઘપર ગામના બે ખેડૂત યુવાનોના હાર્ટ એટેકના કારણે મૃત્યુ નીપજતાં ભારે અરેરાટી ફેલાઈ છે.
સૌપ્રથમ બનાવ કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામમાં બન્યો હતો. જ્યાં રહેતા રામદેવસિંહ નીતુભા જાડેજા નામના 45 વર્ષના ખેડૂત યુવાનને છેલ્લા બે ત્રણ દિવસથી તાવ અને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તેને સારવાર માટે પડધરીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યાં તેનું હાર્ટ ફેઇલ થઈ જવાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું તબીબો દ્વારા જાહેર કરાયું હતું.
આ બનાવ અંગે મૃતકના ભાઈ વનરાજસિંહ નીતુભા જાડેજાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
હૃદય રોગના હુમલાનો બીજો બનાવ કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામમાં બન્યો હતો. ત્યાં રહેતા અરવિંદસિંહ જામભા જાડેજા નામના 45 વર્ષના ખેડૂત યુવાનને પણ પોતાની વાડીએ એકાએક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ચક્કર આવતાં સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેનું પણ હાર્ટ ફેઇલ થઈ જતા મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું.
જે બનાવ અંગે મૃતકના નાનાભાઈ રણજીતસિંહ જામભા જાડેજાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.