વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના નવા વાઈસ ચાન્સેલરના નામની જાહેરાત થયા બાદ યુનિવર્સિટીના વરિષ્ઠ અધ્યાપકે પૂર્વ વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવ સામે હાઈકોર્ટમાં કરેલી જાહેર હિતની અરજી પાછી ખેંચી લીધી છે.
ઉલ્લેખનીય છે કે, એજ્યુકેશન સાયકોલોજી ફેકલ્ટીના અધ્યાપક પ્રો.સતિષ પટેલે તત્કાલિન વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવ પાસે વાઈસ ચાન્સેલર બનવા માટે પ્રોફેસર તરીકેનો ૧૦ વર્ષનો અનુભવ નથી તેવું કારણ આપીને તેમને વાઈસ ચાન્સેલર પદેથી હટાવવા માટે હાઈકોર્ટ સમક્ષ અરજી કરી હતી.આ કેસની સુનાવણી દરમિયાન જ ડો.શ્રીવાસ્તવે વાઈસ ચાન્સેલર પદેથી રાજીનામુ આપ્યું હતું.એ પછી સાત મહિના બાદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે સરકારે મુંબઈના પ્રોફેસર પ્રો.બી એમ ભનાગેની નિમણૂક કરી છે.જેના ચાર દિવસ બાદ પ્રો.પાઠકે ડો.શ્રીવાસ્તવ સામે કરેલી અરજી પણ પાછી ખેંચી છે.પ્રો.પાઠકે કહ્યું હતું કે, નવા વાઈસ ચાન્સેલરની નિમણૂક બાદ સરકાર તરફથી હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી કે, ડો.શ્રીવાસ્તવે રાજીનામુ પહેલા જ આપી દીધું છે અને સરકારે પણ નવા વાઈસ ચાન્સેલર તરીકે અન્ય કોઈની નિમણૂક કરી દીધી છે ત્યારે આ કેસનો અર્થ રહેતો નથી.જેને ધ્યાનમાં રાખીને મેં અરજી પાછી ખેંચી છે.જોકે ભવિષ્યમાં આ મામલામાં હું કે બીજુ કોઈ વ્યક્તિ અરજી કરી શકે છે તેવી જોગવાઈ હાઈકોર્ટે માન્ય રાખી છે.