મુંબઈ : અમેરિકાના ટ્રમ્પ સરકારના પ્રતિનિધિ, પ્રમુખ વાટાઘાટકર્તા ભારત આવી પહોંચતા અને બન્ને દેશો વચ્ચે ટ્રેડ ડિલની ગૂંચ ઉકેલવાના પ્રયાસો વેગ પકડતાં ટૂંક સમયમાં ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડિલ થવાની અપેક્ષાએ આજે ભારતીય શેર બજારોમાં ફંડોએ ફરી ઈન્ડેક્સ બેઝડ આક્રમક તેજી કરી હતી. ભારત સાથે ટ્રેડ ડિલ થવાની અને વધારાની ૨૫ ટકા ટેરિફને ટ્રમ્પ સરકાર પાછી ખેંચશે એવી ધારણાએ સેન્ટીમેન્ટ તેજીમય બન્યું હતું. ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ, બેંકિંગ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો તેમ જ મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોએ ખરીદી કરી હતી. સેન્સેક્સ ૫૯૪.૯૫ પોઈન્ટ ઉછળીને ૮૨૩૮૦.૬૯ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૬૯.૯૦ પોઈન્ટ વધીને ૨૫૨૩૯.૧૦ બંધ રહ્યા હતા. સ્મોલ, મિડ કેપ કેપ શેરોમાં આજે પસંદગીની ખરીદીનું આકર્ષણ જળવાયું હતું.
ઓટો ઈન્ડેક્સની ૮૫૬ પોઈન્ટની છલાંગ : બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ, એમઆરએફ, મહિન્દ્રા, આઈશરમાં તેજી
ચોમાસાની સારી પ્રગતિ છતાં ઘણા વિસ્તારોમાં અતિવૃષ્ટિની સ્થિતિએ ખેડૂતોને મોટા નુકશાનના અહેવાલોએ ગ્રામીણ વાહનોની ખરીદી અપેક્ષિત નહીં રહેવાના એક તરફ અંદાજો સામે જીએસટીમાં ઘટાડાનો આગામી સપ્તાહથી અમલ થવાની તૈયારીએ અને કંપનીઓ દ્વારા વાહનોના નવા મોડલો અને ડિસ્કાઉન્ટ ઓફર કરીને વેચાણ વૃદ્વિના પ્રયાસો વચ્ચે આજે ફંડોએ ઓટો શેરોમાં ફરી તોફાની તેજી કરી હતી. બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૬૪.૩૫ ઉછળીને રૂ.૨૪૭૦, એમઆરએફ રૂ.૩૬૦૦.૯૦ વધીને રૂ.૧,૫૦,૯૭૦.૨૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૭૮.૨૦ વધીને રૂ.૩૬૦૭.૫૫, આઈશર મોટર્સ રૂ.૧૪૯.૯૦ વધીને રૂ.૬૯૫૦, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ.૫૨.૮૦ વધીને રૂ.૨૬૦૨.૧૫, ભારત ફોર્જ રૂ.૨૫ વધીને રૂ.૧૨૬૨.૬૦, મારૂતી સુઝુકી રૂ.૩૦૩.૮૦ વધીને રૂ.૧૫,૫૬૬.૯૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૮૫૫.૮૧ પોઈન્ટની છલાંગે ૬૦૬૨૪.૩૭ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં તેજીનો સળવળાટ : કોટક બેંક રૂ.૫૦ વધ્યો : ચૌલા ફિન, આધાર હાઉસીંગ, કેનફિન વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફરી તેજીનો સળવળાટ શરૂ થયો હતો. કોટક મહિન્દ્રા બેંક રૂ.૫૦.૩૫ વધીને રૂ.૨૦૨૧.૪૦, એક્સિસ બેંક રૂ.૧૬.૯૦ વધીને રૂ.૧૧૨૧.૨૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૬.૯૦ વધીને રૂ.૮૩૧.૮૦, બેંક ઓફ બરોડા રૂ.૧.૬૦ વધીને રૂ.૨૪૦.૬૦ રહ્યા હતા. ફાઈનાન્સ-અન્ય બેંકિંગ શેરોમાં ચૌલા ફિન રૂ.૬૭.૪૫ વધીને રૂ.૧૫૮૫, આધાર હાઉસીંગ રૂ.૧૯.૧૫ વધીને રૂ.૫૩૭.૮૦, કેનફિન હોમ રૂ.૨૪.૨૦ વધીને રૂ.૭૭૬, મહિન્દ્રા ફાઈનાન્સ રૂ.૮.૪૫ વધીને રૂ.૨૭૮.૭૦, ઈકરા રૂ.૧૮૬.૨૦ વધીને રૂ.૬૭૨૫.૧૦, બજાજ હોલ્ડિંગ રૂ.૩૧૭.૯૫ વધીને રૂ.૧૩,૫૨૧.૪૫, ટાટા ઈન્વેસ્ટમેન્ટ રૂ.૧૫૮.૪૦ વધીને રૂ.૭૦૪૧.૩૫, પ્રુડેન્ટ એડવાઈઝર રૂ.૬૭.૫૦ વધીને રૂ.૨૯૯૮.૭૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૭૪.૪૩ પોઈન્ટ ઉછળીને ૬૧૯૬૧.૮૮ બંધ રહ્યો હતો.
ફરી ઓલરાઉન્ડ તેજીમાં સ્મોલ, મિડ કેપ શેરોમાં આકર્ષણ વધ્યું : ૨૪૭૧ શેરો પોઝિટીવ બંધ
સેન્સેક્સ, નિફટીમાં ફરી તેજી થવા સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં ખરીદીનું આકર્ષણ વધતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૨૨ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૩૩૦થી વધીને ૨૪૭૧ અને ઘટનારની સંખ્યા ૧૮૮૯થી ઘટીને ૧૬૬૦ રહી હતી.
કેપિટલ ગુડઝ શેરોમાં વધતું આકર્ષણ : કિર્લોસ્કર એન્જિન, કેઈઆઈ, સુપ્રિમ, કાર્બોરેન્ડમ, પોલીકેબ વધ્યા
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફરી ખરીદીનું આકર્ષણ વધતું જોવાયું હતું. દેશમાં પાવર-રિન્યુએબલ એનજીૅ ક્ષેત્રે મોટા ડેવલપમેન્ટ સાથે ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે અનેક પ્રોજેક્ટો આકાર લઈ રહ્યા હોઈ આ ક્ષેત્રે વધતાં રોકાણને લઈ ફંડો લેવાલ રહ્યા હતા. કિર્લોસ્કર એન્જિન રૂ.૪૧.૦૫ વધીને રૂ.૯૩૦.૨૦, કેઈઆઈ રૂ.૯૧.૧૦ વધીને રૂ.૪૧૮૩.૨૫, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૯૮.૦૫ વધીને રૂ.૪૫૯૦, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૧૯.૩૦ વધીને રૂ.૯૯૭.૯૫, પોલીકેબ રૂ.૧૪૨ વધીને રૂ.૭૩૯૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૫૫.૭૦ વધીને રૂ.૪૧૦૭.૫૫, એસ્ટ્રલ રૂ.૧૭.૨૫ વધીને રૂ.૧૪૭૬.૦૫, કોચીન શિપ રૂ.૧૪.૫૫ વધીને રૂ.૧૮૨૧ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૨૨.૮૦ પોઈન્ટ ઉછળીને ૭૦૭૩૮.૧૯ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં પસંદગીનું આકર્ષણ : ઓરિએન્ટ ટેકનો, રામકો સિસ્ટમ, ડિ-લિન્ક, ઓરેકલ વધ્યા
ટેકનોલોજી-આઈટી, સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં આજે ફંડોએ અમેરિકા પાછળ પસંદગીની મોટી ખરીદી કરી હતી. અમેરિકામાં નાસ્દાક સહિતની રેકોર્ડ તેજી અને ભારત સાથે ટ્રેડ ડિલની અપેક્ષાએ પણ ફંડોએ શેરોમાં શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગ કર્યું હતું. ઓરિએન્ટ ટેકનોલોજી રૂ.૩૪.૮૦ વધીને રૂ.૩૫૭.૨૫, એક્સપ્લિઓ સોલ્યુશન રૂ.૬૦.૨૫ વધીને રૂ.૧૦૪૧.૪૦, રામકો સિસ્ટમ રૂ.૨૩.૭૦ વધીને રૂ.૪૯૭.૮૫, ડિ-લિન્ક ઈન્ડિયા રૂ.૨૩.૮૫ વધીને રૂ.૫૦૯.૪૫, સિએન્ટ રૂ.૪૯.૪૦ વધીને રૂ.૧૨૭૨.૧૫, પરિસ્ટન્ટ સિસ્ટમ રૂ.૧૨૯.૫૫ વધીને રૂ.૫૪૯૫.૨૫, માસ્ટેક રૂ.૫૪.૪૫ વધીને રૂ.૨૫૦૬.૪૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૧૪૭.૭૫ વધીને રૂ.૯૧૨૦, કોફોર્જ રૂ.૨૭.૭૫ વધીને રૂ.૧૭૮૦.૮૦, ઝેનસાર ટેકનોલોજી રૂ.૧૦.૮૦ વધીને રૂ.૮૧૯.૩૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૭૩.૮૮ પોઈન્ટ વધીને ૩૫૫૩૩.૭૨ બંધ રહ્યો હતો.
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી : ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, વેદાન્તા વધ્યા
ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે ભારતમાં અનેક પ્રોજેક્ટો આકાર લઈ રહ્યા હોઈ અને મોદી સરકારની અનેકવિધ યોજનાઓને લઈ મેટલની માંગમાં મોટી વૃદ્વિની અપેક્ષા અને અમેરિકા સાથે ડિલની અપેક્ષાએ પણ ફંડોએ પસંદગીના શેરોમાં ખરીદી કરી હતી. ટાટા સ્ટીલ રૂ.૨.૮૦ વધીને રૂ.૧૭૨, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૭.૦૫ વધીને રૂ.૧૧૧૭.૫૦, વેદાન્તા રૂ.૭ વધીને રૂ.૪૬૧.૩૫, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૯.૪૦ વધીને રૂ.૨૪૦૨.૫૦, જિન્દાલ સ્ટીલ રૂ.૫.૬૦ વધીને રૂ.૧૦૫૨ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૮૬.૯૬ પોઈન્ટ વધીને ૩૩૦૫૭.૨૯ બંધ રહ્યો હતો.
અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૧૨ ઉછળ્યો : બ્લુ સ્ટાર, વ્હર્લપુલ, હવેલ્સ, બાટા ઈન્ડિયા વધ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૧૨.૬૦ વધીને રૂ.૮૨૯૧.૨૦, બ્લુ સ્ટાર રૂ.૩૩.૦૫ વધીને રૂ.૧૯૨૩.૯૫, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૨૦.૩૦ વધીને રૂ.૧૩૬૧.૪૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૧૮.૮૦ વધીને રૂ.૧૬૧૪.૬૫, બાટા ઈન્ડિયા રૂ.૧૩.૧૦ વધીને રૂ.૧૨૭૪.૪૫ રહ્યા હતા.
FPIs/FIIની કેશમાં રૂ.૩૦૮ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૧૫૧૯ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશમાં રૂ.૩૦૮.૩૨ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૧,૯૪૨.૪૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૬૩૪.૧૨ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૧૫૧૮.૭૩ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૧,૬૪૩.૪૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૧૨૪.૭૩ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૮૨ લાખ કરોડ વધીને રૂ.૪૬૨.૮૭ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટી બેઝડ ફરી તોફાની તેજી સાથે શેરોમાં આજે ખેલંદાઓ, ફંડોની સ્મોલ, મિડ કેપમાં લેવાલી સાથે એ ગુ્રપના શેરોમાં પણ આકર્ષણ રહેતાં રોકાણકારોની સંપતિ પણ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૮૨ લાખ કરોડ વધીને રૂ.૪૬૨.૮૭ લાખ કરોડ રહ્યું હતું.