Accident Incident In Surendranagar : રાજ્યમાં અકસ્માત અને હિટ એન્ડ રન અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સુરેન્દ્રનગરના સાયલા-પાળીયાદ હાઈવે પર ડમ્પર ચાલકોનો ભારે આતંક જોવા મળી રહ્યો છે. હાઈવે પર ડમ્પર ચાલક સ્કૂલ વેનને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતની આ ઘટનામાં 10થી વધુ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં 6 બાળકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
10થી વધુ બાળકો ઈજાગ્રસ્ત, ડમ્પર ચાલક ફરાર
સુરેન્દ્રનગરના સાયલામાં પાળીયાદ હાઈવે પર સ્કૂલ વેનમાં ખાનગી શાળાના બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રેક્ટિસ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન વાંટાવચ્છ ગામના બોર્ડ પાસે ડમ્પર ચાલકે સ્કૂલ વેનને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 10થી વધુ બાળકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. અકસ્માતની આ ઘટનામાં સ્કૂલવાનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં પૂરપાટ ઝડપે આવતી કારે યુવકને અડફેટે લેતાં નીપજ્યું મોત, વીજળીના થાંભલા પણ તૂટીને પડી ગયાં
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-પાળીયાદ હાઈવે પર ડમ્પર ચાલકોનો ત્રાસ વધી રહ્યો હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. અગાઉ ત્રણ મહિના પહેલાં સાયલા-પાળીયાદ હાઈવે પર માલધારી અને ઘેટા-બકરાને ડમ્પર ચાલકે ટક્કર મારી હતી. જેમાં માલધારીને ગંભીર ઈજા પહોંચતા, 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. આ સાથે 40 ઘેટા-બકરાને ટક્કર વાગતા મોત થયા, જ્યારે 10 પશુઓના પગ ભાંગી ગયા હતા.