– ખેતીની જમીનમાં પાકના રક્ષણ માટે યોજના અમલમાં
– ઓછામાં ઓછા બે હેક્ટર ક્લસ્ટર માટે તારની વાડ બનાવવા રનિંગ મીટર દીઠ રૂા. 200 અથવા ખરેખર થનાર ખર્ચના 50 ટકા બેમાંથી ઓછી હોય તે સહાય અપાય છે
ભાવનગર : ખેડૂતોના ખેતરમાં પાકના રક્ષણ માટે ખેતર ફરતે તાર ફેન્સિંગ કરવાની યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત આ વર્ષે ખેડૂતોને તાર ફેન્સિંગ માટે રૂા. ૧૩ કરોડ ૪૫ લાખની ફાળવણી કરવામાં આવી હોવાનું જિલ્લા પંચાયતના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર પાક રક્ષણ હેતુથી ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના હેઠળ ખેડૂત/ખેડૂતોએ જૂથમાં ઓછામાં ઓછા બે હેક્ટર વિસ્તાર (ક્લસ્ટર) માટે સહાય આપવાની યોજના અમલમાં છે. આ યોજનામાં તારની વાડ બનાવવા માટે રનિંગ મીટર દીઠ રૂા. ૨૦૦ અથવા ખરેખર થનાર ખર્ચના ૫૦ ટકા બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવે છે. તાર ફેન્સિંગ માટે સહાય આપવાની યોજના અંગે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. જે મુજબ વિવિધ સ્પેશિફિકેશન (ઓછામાં ઓછા) મુજબ તાર ફેન્સિંગ બનાવવાની સંપૂર્ણ કામગીરી ૩૦ દિવસમાં પૂર્ણ કરવાની હોય છે.
ગયા વર્ષે જિલ્લાના મોટી સંખ્યામાં ખેડૂતોને તાર ફેન્સિંગ બનાવ્યા પછી થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શનનો સરકારમાં રિપોર્ટ રજૂ થયો તેમાં સ્પેશિફિકેશન પ્રમાણે નહીં હોવાનું જણાવાયું હતું. જેને લઈને ખેડૂતોની સહાયની રકમ ટલ્લે ચડી ગઈ હતી. આખરે સરકારે જ્યારે નિયમોમાં થોડી છૂટછાટ આપતા સહાયનો માર્ગ મોકળો થયો હતો.