વડોદરા, ચાર વર્ષના બાળક સાથે ક્રૂરતાપૂર્વક વર્તન કરનાર ચાઇલ્ડ સેન્ટરના બે મેડમને હાજર થવા માટે મકરપુરા પોલીસે નોટિસ પાઠવી છે. આવતીકાલે તેઓ હાજર થયા પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
શહેરના એક વેપારીનો ૪ વર્ષનો દીકરો તેની ઉમરના બાળકો સાથે તે યોગ્ય રીતે વાતચીત અને દોસ્તી પણ કરતો નહતો. જેથી, તેને ગત તા. ૨૫ મી ફેબુ્રઆરીએ પ્રતાપનગર પોલીસ હેડ ક્વાટર્સની સામે આવેલા ન્યૂ હોરિઝોન્સ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં મૂક્યો હતો. ગત ૧૫ મી તારીખે માતા – પિતા પુત્રને સેન્ટર પર મૂકવા ગયા ત્યારે તે ખૂબ જ રડતો હતો. સેન્ટરના હેડ મીરાબેન બાળકને પટકાવીને ખૂણામાં બેસાડી દીધો હતો. અને તેના પગ પર બેસી ગયા હતા અને તેના મોંઢા પાસે જઇ ડરાવી ધમકાવ્યો હતો. તેમજ તેમનો બાળક જ્યારે રૃમમાં ગયો ત્યારે પૂજા મેડમ ઝૂલા ઝૂલતા હતા. પરંતુ,તેઓએ કોઇ ધ્યાન આપ્યું નહતું. આ કેસની તપાસ માટે મકરપુરા પી.આઇ. વી.એસ.પટેલે સેન્ટરના હેડ ડો.મીરાબેન સંજયભાઇ ખાનવાલા (રહે. વાસણા ભાયલી રોડ) તથા મેડમ પૂજાબેન જયદિપભાઇ શાહ (રહે. ગોવર્ધન ટાઉનશિપ, ડભોઇ રીંગ રોડ) ને નોટિસ પાઠવી આવતીકાલે હાજર થવા જણાવ્યું છે.