વડોદરા,તા.૬ થી તા.૧૦ એપ્રિલ દરમ્યાન પોરબંદર જિલ્લાના માધવપુરના મેળા સંદર્ભે પ્રિ-ઇવેન્ટનું આયોજન વડોદરા ખાતે તા.૨ના રોજ પ્રતીકાત્મક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજીને કરવામાં આવ્યું છે.
માધવપુર ઘેડનો મેળો ભારતની ઉત્તર પૂર્વ અને પશ્ચિમ ભારતની સંસ્કૃતિનો સમન્વય છે. રૃકમણીનું શ્રી કૃષ્ણએ હરણ કર્યું અને ગુજરાતના માધવપુરમાં આવી લગ્ન કર્યા હતા. પાંચ દિવસનો લોકમેળો દર વર્ષે ભગવાન કૃષ્ણ અને રૃકમણીના વિવાહ પ્રસંગની યાદમાં યોજાય છે.
અહીં એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ આધારિત ઉત્તર પૂર્વી ભારતના ૮ રાજ્યોના ૮૦૦ કલાકારો દ્વારા વિવિધ પ્રાદેશિક લોકનૃત્ય ભજવવામાં આવનાર છે. ૮૦૦ ગુજરાતી કલાકારો દ્વારા પણ સાંસ્કૃતિક કલા પ્રદર્શિત કરશે. મેળામાં દેશ-વિદેશના લાખો લોકો આવે છે. વડોદરા ખાતે તા.૨ની સાંજે ૬ કલાકે અકોટા સ્ટેડિયમ ખાતે ઉત્તરપૂર્વીય રાજ્યોમાંથી આવેલા ૨૦૦ કલાકો તથા ગુજરાતના સ્થાનિક ૨૦૦ મળી ૪૦૦ કલાકારો વિવિધ લોકનૃત્યની રજૂઆત કરશે. આ કાર્યક્રમ નિઃશુલ્ક છે, અને તેનું લિંક ઉપર ફ્રી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, તેમ સ્થાયી સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું.