વડોદરાઃ ડૂપ્લિકેટ પોલીસ,ડૂપ્લિકેટ સીએમઓ, પીએમઓ,ડૂપ્લિકેટ માર્કશીટ,પોલીસ અને ડૂપ્લિકેટ દસ્તાવેજો બાદ હવે ડૂપ્લિકેટ ફાયર એનઓસીનું કૌભાંડ ખૂલતાં વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ ચોંકી ઉઠયા છે.
વડોદરા ફાયર બ્રિગેડ ના નામે આજવારોડની ત્રણ માળની એક બિલ્ડીંગ માટે લેવાયેલું ફાયર એનઓસી ડૂપ્લિકેટ હોવાનું જણાઈ આવતા અધિકારીઓએ વિશેષ ટીમ બનાવી તપાસ આદરી છે.
ઉપરોક્ત કૌભાંડ અંગે મળતી માહિતી મુજબ,પંદરેક દિવસ પહેલાં આજવારોડ મહાવીર હોલ ચારરસ્તા પાસે આવેલી અર્શ પ્લાઝા નામની બિલ્ડિંગમાં આગનું છમકલું થયું હતું.જેને કારણે ફાયર બ્રિગેડની મદદ લેવાતાં તેમણે આગ બૂઝાવી સુરક્ષાના કારણોસર વીજ કનેક્શન કપાવી નાંખ્યું હતું.
વીજ કનેક્શન ફરી શરૃ કરવા માટે વીજ કંપની દ્વારા ફાયર એનઓસી માંગવામાં આવે છે.જેથી વીજ કંપનીમાં પ્રોસિજર કરવા માટે પ્લાઝાના વહીવટકર્તા દ્વારા અરજી સાથે ફાયર એનઓસી રજૂ કરવામાં આવ્યું હતું.જેની તપાસ દરમિયાન આ સર્ટિફિકેટ બોગસ હોવાનું ખૂલતાં ચીફ ફાયર ઓફિસરે સમગ્ર કૌભાંડની તપાસ શરૃ કરાવી છે.
આ પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ થાય તો કોર્પોરેશનને આર્થિક ફટકો મારવાના ષડયંત્રનો ભાંડો ફૂટે તેમ છે.
ઇન્ચાર્જ ચીફ ફાયરની બોગસ સહી અને ટેન્કરની પાવતીનો આઉટવર્ડ નંબર
ડૂપ્લિકેટ ફાયર એનઓસી જેના નામે ઇસ્યુ કરવામાં આવી છે તે તત્કાલિન ઇન્ચાર્જ ચીફ ફાયર નિકુંજ આઝાદે કહ્યું હતું કે,મારા ધ્યાને એનઓસી આવતાં જ મેં હાલના ચીફ ફાયરનું ધ્યાન દોર્યું હતું.આ એનઓસી પર મારા પહેલાંના ઇન્ચાર્જ ચીફ ફાયર પાર્થ બ્રહ્મભટ્ટની પણ સહી છે.જે અમારી બંને સહીઓ બોગસ છે.આ ઉપરાંત એનઓસી પર અમે આઉટવર્ડ નંબર નાંખીએ છીએ.પરંતુ આ એનઓસી પરનો આઉટવર્ડ નંબર પણ ખોટો છે.તપાસ કરતાં પાણીની ટેન્કરની ડિલિવરી માટે ૨૦ ડિસેમ્બર ૨૦૨૪ ના આ એનઓસી પર જુદા જુદા બે પૂર્વ ચીફ ફાયર ઓફિસરના નામ અને સહી કરવામાં આવ્યા છે. વળી તેમાં આઉટવર્ડ નંબર ની જગ્યાએ ટેન્કર ફાળવણીની પાવતીનો નંબર લખવામાં આવ્યો છે.જેથી આ પ્રકરણની તપાસ થવી જરૃરી છે.
સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ થશે, પોલીસ કેસ કરીશું
ડૂપ્લિકેટ એનઓસીના પ્રકરણ અંગે હાલના ચીફ ફાયર વિજય પાટિલે કહ્યું હતું કે,આ એક ખૂબ જ ગંભીર બાબત છે. જેનાથી ફાયર બ્રિગેડ અને કોર્પોરેશનની લાગત ને નુકસાન થાય તેમ છે. અમે સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ અને પુરાવા એકત્રિત કરી પોલીસ કેસ કરવાના છીએ.