વડોદરા, તા.31 ભાયલી-વાસણારોડ પરની ઓફિસમાં હાઉસ કિંપિંગનું કામ કરતા યુવાનને કંપનીમાં ડિરેક્ટર બનાવવાની લાલચ આપી ઠગાઇ કરનાર કંપનીના સીઇઓની પોલીસે ધરપકડ કરી છે જ્યારે માલિક ફરાર છે.
ઉલ્લેખનીય છે કે વડસર બ્રિજ પાસે ઓમ રેસિડેન્સી ખાતે રહેતા કમલેશ ઇશ્વર મેકવાન ભાયલી-વાસણારોડ પર વિહવ એક્ષલ્સ ખાતેની વેલ્થ ટ્રેઇન પ્રા.લી. નામની કંપનીની ઓફિસમાં હાઉસ કિપિંગનું કામ કરતો હતો ત્યારે કંપનીના માલિક હીરલકુમાર સતિષચન્દ્ર કંસારા અને સોહમ ઉપેન્દ્ર માંકડ (બંને રહે.સિલ્વરનેટ સોસાયટી, ભાયલી)એ કમલેશને કંપનીમાં ડિરેક્ટર બનાવવાની લાલચ આપીને બેંકમાંથી તેના નામે લોનો લેવડાવી બંને ભેજાબાજોએ કુલ રૃા.૧૧.૬૪ લાખ મેળવી લીધા હતાં.
બાદમાં બંને ભેજાબાજોએ ડિરેક્ટર નહી બનાવતા આખરે મામલો પોલીસમાં પહોંચ્યો હતો. દરમિયાન બંને ભેજાબાજો ઓફિસ બંધ કરી ફરાર થઇ ગયા હતાં. આ અંગે ગઇકાલે તાલુકા પોલીસ સ્ટેશનમાં બને ભેજાબાજો સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે કંપનીના સીઇઓ સોહમ ઉપેન્દ્ર માંકડની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે હિરલકુમારે કંપની ખોલી હતી અને તેમાં સોહમ સીઇઓ તરીકે કામ કરતો હતો. તેની વધુ પૂછપરછ કરવા કોર્ટમાં રજૂ કરી એક દિવસનો રિમાન્ડ મેળવ્યો છે.