India GDP Growth Report: ભારત પર અમેરિકાએ 50 ટકા ટેરિફ લાદી દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ તે સફળ નહીં થાય. ભારત 2038 સુધીમાં વિશ્વનું બીજુ ટોચનું અર્થતંત્ર બનવાનો દાવો ઈવાય રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. ભારતનો જીડીપી 2038 સુધીમાં 34.2 લાખ કરોડ ડોલર નોંધાશે.
ઈવાય દ્વારા ઓગસ્ટમાં જાહેર ઈકોનોમી વોચ રિપોર્ટ અનુસાર, ભારતનો ગ્રોથ ફક્ત વસ્તી વિષયક માહિતી સુધી જ નહીં પરંતુ માળખાકીય સુધારાઓ અને સ્થિતિસ્થાપક મૂળભૂત બાબતોમાં પણ મજબૂત બન્યો છે. તમામ પડકારોનો સામનો કરતાં ભારત હાલ વિશ્વની ચોથી ટોચની અર્થવ્યવસ્થા બન્યું છે. મજબૂત આર્થિક પાયા સાથે દેશ ઝડપથી વિકાસ સાધી રહ્યો છે. ટેરિફમાં પ્રેશર અને મંદ વેપાર જેવા વૈશ્વિક પડકારો હોવા છતાં સ્થાનિક માગમાં વધારો અને આધુનિક ટેક્નોલોજીની વધતી ક્ષમતાઓના કારણે ભારતનું અર્થતંત્ર મજબૂત છે. આગામી પાંચ વર્ષમાં ભારતનો જીડીપી 20.7 લાખ કરોડે આંબશે.
સ્થાનિક ઉત્પાદન પર નિર્ભરતા આપશે વેગ
ઈવાય રિપોર્ટ અનુસાર, અમેરિકા, ચીન, જર્મની અને જાપાનની તુલનાએ ભારતની આર્થિક સ્થિતિ સારી છે. ચીન 2030 સુધીમાં અંદાજિત 42.2 લાખ કરોડ ડોલરનો જીડીપી હાંસલ કરી શકે છે. જો કે, વૃદ્ધોની વધતી વસ્તી અને વધતુ દેવું તેના માટે પડકારરૂપ બની શકે છે. અમેરિકાએ ટેરિફ લાદતાં અમેરિકા પર મોંઘવારીનો બોજો વધશે. જેથી તેની જીડીપી મંદ રહેવાની ભીતિ છે. જર્મની અને જાપાન પણ વિકસિત છે. પરંતુ તે મુખ્યત્વે વૈશ્વિક વેપાર પર નિર્ભરતા ધરાવે છે. જ્યારે ભારતની પાસે વિવિધ ક્ષેત્રે અઢળક ક્ષમતા જોવા મળી છે. તેની વધતી યુવા વસ્તી, સ્થાનિક માગ અને ટકાઉ રાજકોષિય આઉટલૂકના કારણે જીડીપી ગ્રોથ વધશે. સ્થાનિક માગની સાથે સાથે સ્થાનિક ઉત્પાદનને પણ વેગ અપાઈ રહ્યો છે. જે જીડીપીને ટેકો આપશે.
આ પણ વાંચોઃ દૂધ…પનીરથી લઇને રોટી પર ઝીરો GST, યાદીમાં હજુ ઘણી વસ્તુઓ, જાણો ક્યારે લેવાશે નિર્ણય?
ઈવાય ઈન્ડિયાના ચીફ સ્ટ્રેટેજિસ્ટ એડવાઈઝર ડીકે શ્રીવાસ્તવે જણાવ્યું કે, ભારતની તુલનાત્મક ક્ષમતાઓ, યુવા વસ્તી અને કુશળ કાર્યબળની સાથે સાથે મજબૂત બચત અને રોકાણ દેશના ગ્રોથમાં વધારો કરશે. ટેક્નોલોજીની ઉન્નત ક્ષમતાઓનું નિર્માણ કરતાં 2047 સુધીમાં ભારત પોતાની વિકસિત અર્થતંત્રની મહત્ત્વાકાંક્ષા હાંસલ કરી શકે છે.
આગામી ત્રણ વર્ષમાં ત્રીજો ક્રમ હાંસલ કરશે
વિવિધ રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતના અર્થતંત્ર પર આપવામાં આવેલા રિપોર્ટ અનુસાર, ભારતની અર્થવ્યવસ્થા વેગવાન બની છે. હાલ તે અમેરિકા, ચીન, જાપાન બાદ ચોથી ટોચની ઈકોનોમી છે. આગામી ત્રણ-ચાર વર્ષમાં તે વિશ્વની ત્રીજી ટોચની ઈકોનોમી બનશે. ટેક્નોલોજી, ફાઈનાન્સ, સંરક્ષણ અને કન્ઝ્યુમર માર્કેટમાં તેની પકડ મજબૂત છે. બીજી તરફ ચીન અમેરિકાને આકરી ટક્કર આપવા સક્ષમ છે. તે પોતાની મેન્યુફેક્ચરિંગ, નિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ ક્ષમતાઓના માધ્યમથી આગામી વર્ષોમાં વિશ્વની મહાસત્તા ધરાવતું અર્થતંત્ર બની શકે છે.