વડોદરા, તા.21 જીએસટીના દરોમાં ઘટાડાની સાથે જ ખાદ્ય પદાર્થોના ભાવોમાં પણ ઘટાડો કરવાની જાહેરાત વિવિધ ઉત્પાદક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે. અમૂલ ડેરીએ ભાવમાં ઘટાડાની જાહેરાત બાદ હવે બરોડા ડેરીએ પણ કેટલીક વસ્તુઓના ભાવોમાં ઘટાડો જાહેર કર્યો છે પરંતુ રોજિંદી જીવનજરૃરિયાત વસ્તુઓ પર ભાવ યથાવત રાખ્યા છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે દિવાળીના તહેવારોમાં લોકોને રાહત મળે તે હેતુથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં માત્ર બે સ્લેબ રાખીને અનેક વસ્તુઓના દરોમાં ઘટાડો કર્યો છે. નવા જીએસટીના દરો કાલથી અમલી થવાના છે. જેના પગલે બજારોમાં મળતી વસ્તુઓના ભાવોમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ જણાય છે. અમૂલ ડેરીએ પોતાની વિવિધ વસ્તુઓ પરના જીએસટી દરોમાં ઘટાડો થતાની સાથે નવા ભાવો જાહેર કરી દીધા હતાં.
દરમિયાન આજે બરોડા ડેરીએ પણ ઉત્પાદિત કેટલીક વસ્તુઓના દરોમાં ઘટાડો જાહેર કર્યો છે જેમાં ઘીનો સમાવેશ થાય છે. ઘીના એક કિલોના દરમાં રૃા.૪૦, એક કિલો પનીરમાં રૃા.૧૫, આઇસક્રિમ લીટરમાં ૧૬થી ૨૦ અને આઇસક્રિમ કપ દીઠ રૃા.૨થી ૩નો ઘટાડો થયો છે. કાલથી નવા દરો અમલી થઇ જશે તેમ ડેરીએ જણાવ્યું હતું.
મહત્વની બાબત એ છે કે દૈનિક ઉપયોગમાં લેવાતી છાસ, દહી, દૂધ તેમજ લસ્સી, શ્રીખંડ અને મીઠાઇઓના ભાવોમાં કોઇ ઘટાડો જાહેર નહી કરી યથાવત રાખવામાં આવ્યા છે.