Vadodara : વડોદરા શહેરમાં નાના-મોટા વાહનો આડેધડ પાર્ક કરીને વાહન વ્યવહારમાં બાધારૂપ થનાર સામે ટાઉન ડેવલપ વિભાગ, પાલિકા દબાણ શાખા અને પોલીસ તંત્ર દ્વારા આજે આજવા રોડ સરદાર એસ્ટેટથી મહાવીર હોલ ચાર રસ્તા સુધીના રોડ રસ્તા પર આડેધડ પાર્કિંગ કરનારા અને દુકાન આગળ શેડ બનાવીને પાર્કિંગને અંતરાય બનનાર વેપારીઓના શેડ તોડીને દંડનીય કાર્યવાહી વસૂલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે શહેરમાં દિન પ્રતિદિન વાહનોની સંખ્યા ખૂબ વધી રહી છે. પરિણામે હવે વાહન ચાલકોને પાર્કિંગની પણ યોગ્ય સુવિધા મળતી નથી. પરિણામે વાહન ચાલકો નો-પાર્કિંગ સહિત કોઈ પણ જગ્યાએ રોડ રસ્તાની એક બાજુએ આડેધડ પાર્કિંગ કરી દેતા હોય છે. પરિણામે રોડ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને ખૂબ જ હેરાનગતિનો સામનો કરવો પડે છે.
જ્યારે બીજી બાજુ કેટલાક દુકાનદારો દુકાનની આગળ ગેરકાયદે શેડ બનાવી માલ સામાન ગોઠવીને વેપાર ધંધો કરતા હોય છે. આ ઉપરાંત રોડ રસ્તા પર ફોટા બનાવીને કેટલાક લારી ગલ્લા પથારાવાળા ટ્રાફિક જામ થવાને નોબત આપે છે. આવા તમામ લોકોને સબક શીખવાડવાના ઇરાદે પાલિકા તંત્રની દબાણ શાખા, ટાઉન ડેવલપમેન્ટ વિભાગ અને ટ્રાફિક પોલીસ સહિત સ્થાનિક પોલીસ દ્વારા સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
જેમાં આજે આજવારોડ સરદાર એસ્ટેટથી મહાવીર હોલ ચાર રસ્તા સુધીના રોડ રસ્તા પર દુકાનદારોના ગેરકાયદે બનાવેલા શેડ પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતુ.
આવી જ રીતે રોડ રસ્તા પર નો-પાર્કિંગ વિસ્તાર સહિત પાર્કિંગ લાઈનની બહાર આડેધડ વાહન પાર્કિંગ કરનાર સામે તંત્ર દ્વારા પાર્કિંગની સમજ આપીને મેમો ફટકારવામાં આવ્યા હતા.
આ ઉપરાંત રોડ રસ્તા અને ફૂટપાથ પર લારીઓ અને ખુમચા, પથારા ગેરકાયદે બનાવેલા ઓટલા પર રાખીને વેપાર ધંધો કરનારાઓના ઓટલા પણ પાલિકાની દબાણ શાખાએ ફેરવીને તોડી રોડ રસ્તા ફૂટપાથ દબાણ મુક્ત કર્યા હતા.