અમદાવાદ,
ગુરુવાર
શાહપુરમાં વાહન પાર્ક કરવા બાબતે પાડોશી શખ્સોએ મળીને વૃદ્ધ
અને તેઓના પરિવાર સાથે મારામારી કરી તેઓના ઘર અને વાહનમાં તોડફોડ મચાવી હતી. બનાવ
અંગે બંનેએ સામસામે ફરિયાદ નોંધાવતા શાહપુર પોલીસે કુલ ૧૦ શખ્સો વિરૂદ્ધ ગુનો
નોંધી કાર્યવાહી હાથ ધરી છે. શાહપુરના ઈમામવાડામાં રહેતાં નુરમહોમ્મદ શેખ બુધવારે મોડી
રાત્રે ઘરની બહાર ઉભા હતાં. ત્યારે,
વૃદ્ધના પાડોશી મુસુદ્દીક શેખ અને તેના પિતા ઈકબાલે‘તું અહિંયા તારા
તથા તારા છોકરાના વાહનો મુકવાના નહીં‘
કહીં ઝઘડો કર્યો હતો. વૃદ્ધે તેઓ પોતાના ઘર પાસે વાહન પાર્ક કરતાં હોવાનું
કહેતાં શખ્સોએ દંડા વડે વૃદ્ધના ઘર પાસે લગાવેલા સીસીટીવી કેમેરા, એસીનું કમ્પ્રેસર
તથા રિક્ષામાં તોડફોડ કરી હતી. જેથી વૃદ્ધે અટકાવતા શખ્સોએ તેઓને ગડદાપાટુ મારી
દંડાથી ફટકાર્યા હતાં. વૃદ્ધનો પરિવાર બચાવવા આવતાં શખ્સોએ પોતાના સાગરિત આશૈફા અને સાબાજખાન સાથે મળી વૃદ્ધના
પરિવારને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં વૃદ્ધે ચારેય વિરૂદ્ધ પોલીસ
ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામે આશૈફાએ ફરિયાદ નોંધાવી છે કે, નુરમહોમ્મદના
બંને દીકરા અને બાકીના પરિવારજનોએ ‘તું
અમારું કહ્યું કરતો નથી અને તારો પરિવાર અમારા વિરૂદ્ધ કેમ બોલે છે‘ કહીં તેઓના
પરિવાર સાથે મારામારી કરી હતી. નુરમહોમ્મદનો આરોપ છે આરોપીઓ ગેરકાયદે ધંધા સાથે સંકળાયેલા છે અને અમારા પરિવારને ત્રાસ આપીને મિલકત ખાલી કરીને જતા રહીએ ત્યાં સુધી પરેશાન કરી રહ્યા છે. અગાઉ પણ માથાભારે લોકોએ માર મારીને તકરાર કરી છે.