Jamnagar Crime : જામનગર તાલુકાના ધુતારપર ગામમાં નિષ્ઠાનગરીમાં રહેતા મયુર મોહનભાઈ રાઠોડ નામના 29 વર્ષના અનુસૂચિત જાતિના યુવાને માથા ઉપર લોખંડનો પાઇપ ફટકારી લોહીલુહાણ કરી નાખવા અંગે તેમજ લાકડી અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પોતાના જ ગામના રસીદ મેરૂભાઈ વડેચા, મયુર પરમાર, અને જયદીપ મહારાજ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાને રસિદભાઈ વડેચાની દુકાનેથી ગુટકા ની ખરીદી કરી હતી, જેના પૈસાની ઉઘરાણીના મામલે તકરાર કરી ત્રણેય આરોપીઓએ ફરિયાદીના ઘર પાસે જઈને હંગામો મચાવ્યો હતો અને તેનું કારમાં અપહરણ કરી ગયા બાદ જાહેરમાં માર મારી હડધૂત કરાયો હોવાથી આખરે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસ ત્રણેય આરોપીઓને શોધી રહી છે.