માનવ વસાહતની નજીક દીપડાના આવાગમનથી લોકોમાં ભય : રાત્રિના સમયે દીપડો ગામમાં ચડી આવતો હોવાના દ્રષ્યો CCTVમાં કેદ : નાઈટ પેટ્રોલિંગ હાથ ધરી દીપડાને પીંજરે પુરો
અમરેલી, : અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં ફરી એકવાર માનવ વસાહતની નજીક દીપડાના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ દીપડાનાં આંટાફેરાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે.વનવિસ્તારની નજીક આવેલા ખાંભા ગામમાં રાત્રિ દરમિયાન દીપડો ગામમાં આવી મકાનોની દિવાલો ઉપર ચડીને આંટાફેરા કરતો હોય છે. આ દીપડાને વન વિભાગ દ્વારા પાંજરે પુરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ખાંભાના મિતિયાળા રોડ વિસ્તારમાં છેલ્લા સાત-આઠ દિવસથી દીપડાના સતત આંટાફેરા જોવા મળી રહ્યા છે. આ દીપડો ખાસ કરીને રાત્રીના સમયે રહેણાંક મકાનોની દીવાલો પર પણ ચડી આવે છે, જેના કારણે રહીશો ભયભીત થયા છે. સ્થાનિકોએ આ દૃશ્યો સીસીટીવી ફૂટેજમાં જોતા તેમની ચિંતામાં વધારો થયો છે. આ વિસ્તારમાં કોઈપણ સમયે દીપડો હુમલો કરી શકે તેવી દહેશતને પગલે લોકોએ રાત્રે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.