– અવિશ્વાસની દરખાસ્ત બાદ પ્રમુખે રાજીનામું આપ્યું હતું
– ભાજપના મેન્ડેટ પ્રમાણે કે પાલિકાના સભ્યો એકમત થઈ પ્રમુખ નક્કી કરશે તેના પર સૌની નજર
નડિયાદ : ચકલાસી પાલિકામાં સભ્યોએ પ્રમુખ સામે બળવો કરી અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. ત્યારે પ્રમુખ ધર્મેશ વાઘેલાએ અવિશ્વાસની દરખાસ્ત પસાર થવાના ભયથી તા. ૧૯મી ઓગસ્ટે જિલ્લા કલેક્ટરને રાજીનામું ધરી દીધું હતું. હાલ પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખ અમિત પટેલને સોંપાયો છે. ત્યારે પ્રમુખપદની જગ્યા માટે તા. ૧૦મી સપ્ટેમ્બરે ચૂંટણી યોજવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે સભ્યોને તાકીદ કરી છે.
ખેડા જિલ્લાની ચકલાસી નગરપાલિકામાં પ્રમુખ પદનો મુદ્દો રાજકીય ગરમાવો જાળવી રહ્યો છે. ભાજપના જ ૨૨ સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવ્યા બાદ, પ્રમુખ ધર્મેશ વાઘેલાએ રાજીનામું આપી દેતા પરિસ્થિતિમાં મોટો વળાંક આવ્યો હતો. આ રાજીનામા બાદ, પ્રમુખ પદ ખાલી પડયું હતું. હવે, આ બાકી રહેલી મુદત માટે ચૂંટણી યોજાશે. આ માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારીએ ચૂંટાયેલા સભ્યોને હાજર રહેવા માટે નોટિસ પાઠવી છે. નોટિસમાં જણાવ્યું છે કે, આગામી ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ બપોરે ૧૨થી ૧૨.૩૦ કલાકે ચકલાસી નગરપાલિકાના સભાખંડમાં ચૂંટણી યોજાશે. જેમાં નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોને હાજર રહેવા માટે જણાવાયું છે. નાયબ કલેક્ટર અને ચીફ ઓફિસર પણ આ પ્રક્રિયામાં હાજર રહેશે. ત્યારે તા. ૧૦મીએ ચકલાસીના નગરજનોને નવા સુકાની મળશે, તે નિશ્ચિત છે. ાજપ હવે કોને મેન્ડેટ આપે છે તેની પર સૌની નજર છે. ભાજપના જ મેન્ડેટવાળા પ્રમુખની સામે સભ્યોએ એકસંપ થઈ બળવો કરી સત્તા ઉથલાવી હતી. ત્યારે નવા પ્રમુખની ચૂંટણીમાં જિલ્લા ભાજપના મેન્ડેટ મુજબ પ્રમુખ ચૂંટાશે કે પછી ચકલાસી પાલિકાના સભ્યો એકમત થઈ પ્રમુખ નક્કી કરશે, તેની પર સૌની નજર છે.