– સ્વાસ્થ્ય વિભાગે વસતિ નિયંત્રણને લગતી તપાસ હાથ ધરી
– મહિલાના પાંચ સંતાનો મૃત્યુ પામ્યા હતા, સૌથી મોટા 35 વર્ષના દીકરાના સંતાનો સહિત પરિવારમાં સભ્યોની સંખ્યા 24 થઈ
ઉદયપુર : રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ઝાડોલ ગામની રેખા કાલબેલિયા નામની મહિલાએ ૧૭મા બાળકને જન્મ આપ્યો હતો. એ ઘટના ચર્ચાસ્પદ બની પછી રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે આદિવાસી વિસ્તારોમાં વસતિ નિયંત્રણને લગતી તપાસ હાથ ધરી છે. મહિલાના પરિવારમાં તેમના સંતાનો અને પૌત્રો-પૌત્રીઓ સહિત ૨૪ સભ્યો છે. પરિવાર વિકટ આર્થિક તંગી ભોગવી રહ્યો છે.
ઉદયપુર જિલ્લાની ઝાડોલમાં રહેતી રેખાના પાંચ બાળકો મૃત્યુ પામ્યા છે. નવાં જન્મેલા બાળક સહિત તેને ૧૧ બાળકો છે. સૌથી મોટા દીકરાની વય ૩૫ વર્ષ છે અને તેનાય લગ્ન થઈ ગયા છે અને સંતાનો પણ છે. પૌત્ર-પૌત્રીઓનો પરિવાર ધરાવતી આ મહિલાના પરિવારમાં ૨૪ સભ્યો છે. કમાનારાની સંખ્યા ઘણી ઓછી છે એટલે પરિવારને બે ટંકના ખાવાના ફાંફાં પડી જાય છે. આવડા મોટા પરિવારને રહેવાના પણ ઠેકાણા નથી.
સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ મહિલાની પૂછપરછ કરી તો ખબર પડી કે આ તેની ૧૭મી પ્રેગનેન્સી હતી. અગાઉ આ મહિલાએ કે પછી તેમના પરિવારે સ્થાનિક સ્વાસ્થ્ય સેન્ટરના ડોક્ટરને ચોથી પ્રસૂતિ હોવાનું જણાવ્યું હતું. પછીથી જ્યારે પ્રસૂતિ થઈ ગઈ ત્યારે પૂછપરછમાં જણાયું કે તે ૧૬ વખત બાળકોને જન્મ આપી ચૂકી હતી. આ ઘટના બાદ સ્વાસ્થ્ય વિભાગે આદિવાસી વિસ્તારોમાં વસતિ નિયંત્રણ અંગે તપાસ હાથ ધરી છે. અધિકારીઓએ કહ્યું હતું કે આ જિલ્લાના અમુક આદિવાસી વિસ્તારોમાં ઉચ્ચ જન્મદરને નિયંત્રણમાં લાવવાનું કામ બેહદ પડકારજનક છે. સ્વાસ્થ્ય વિભાગે મોટી વયની મહિલાઓની પ્રસૂતિ બાબતે પણ તપાસ શરૂ કરી છે. કારણ કે તેમનો મેડિકલ હિસ્ટ્રી જાણ્યા વગર પ્રસૂતિ કરાવવી જોખમી બની જાય છે. હેલ્થ વિભાગના અધિકારીઓએ સ્વીકાર્યું કે આટલી મોટી સંખ્યામાં પ્રસૂતિ થાય તે મહિલા અને બાળકના જીવ માટે જોખમી હોય છે.
વળી, વધતી ઉંમરે પણ પ્રસૂતિ જોખમી છે. તે સિવાય આર્થિક કારણથી પણ પરિવાર માટે બહુ કપરી સ્થિતિ સર્જાય છે.