– 20 વર્ષ પૂર્વે સળિયા કાપી બારી વાટે 3 આરોપી નાસી ગયા હતા
– દેવગણાના શખ્સે સ્વૈચ્છાએ ગુનાની કબૂલાત આપતા મહુવા કોર્ટનો હુકમ
ભાવનગર : ૨૦ વર્ષ પૂર્વે મહુવા સબજેલ તોડી ભાગી છુટેલા એક શખ્સને કોર્ટે બે માસ કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે.
મહુવાના દેવગણા ગામે રહેતો નરેશ ઉર્ફે લતીફ નંદલાલ જાળેલા (ઉ.વ.૪૨) નામનો શખ્સ ગત તા.૨૫-૭-૨૦૦૫ની રાત્રિના ૮ કલાકથી તા.૨૬-૭-૨૦૦૫ની વહેલી સવારના ૬-૪૫ કલાકના અરસામાં મહુવા સબજેલની દિવાલ ઉપર સળિયા કાપી બારી વાટે નાસી ગયો હતો. જે અંગે શખ્સ સામે આઈપીસી ૨૨૩, ૨૨૪, ૨૨૫, ૧૨૦ (બી), ૧૧૪ ફરિયાદ નોંધાતા વારંવાર સમન્સ/વોરંટ ઈસ્યુ કર્યા બાદ આખરે શખ્સ પકડાયો હતો અને ગત તા.૨૮-૮ના રોજ તેના વકીલ સાથે મહુવાના જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જે.બી. શર્માની કોર્ટમાં હાજર થઈ પોતે ગુનો કર્યાની કબૂલાત આપી તે બીજા કેસમાં જેલમાં હતો. ત્યારે અલંગ પોલીસમાં દાખલ અપહરણના ગુનાના કામમાં સબજેલમાં રહેલ શૈલેષ મનુભાઈ ધાંધલિયા તેમજ ચોરીના ગુનામાં પકડાયેલ રોહિત નામના શખ્સો રાત્રિના સમયે દરવાજાનું તાળું તોડી ભાગી ગયા હતા. તે સમયે દરવાજો ખુલ્લો હોવાથી તે પણ નાસી છુટયાની કેફિયત આપી હતી. જેના આધારે કોર્ટે શખ્સને બે માસ કેદની સજા અને રૂા.૧,૦૦૦નો દંડ ફટકાર્યો હતો.