Vadodara Accident : વડોદરામાં ગઈકાલે રાત્રે દારૂ ઢીંચી મસ્તીમાં ફુલ સ્પીડે કાર ચલાવી રહેલા યુવક અને તેના ત્રણ મિત્રો પોલીસના હાથે ઝડપાઈ જતા ફરી એકવાર હીટ એન્ડ રન જેવી ગંભીર ઘટના સર્જાતા રહી ગઈ હતી.
રેસકોર્સ ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ જવાના રસ્તે મોડી રાત્રે અકોટા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મિર્ચ મસાલા ગલીની સામેના ભાગેથી ઈનોવા કાર ફુલ સ્પીડે અને વાંકી ચૂકી આવી રહી હોવાથી પોલીસે તેને અટકાવી હતી.
પોલીસે કારચાલકને તપાસતા તે દારૂ પીધેલો જણાઈ આવ્યો હતો. આ ઉપરાંત અંદર બેઠેલા તેના ત્રણ મિત્રો પણ પીધેલા મળી આવ્યા હતા. જ્યારે ડ્રાઇવર સીટ પાસેથી એક આઇસ બોક્સ મળી આવ્યું હતું. જેમાં વિદેશી શરાબની અડધી બોટલ તેમજ બિયરનું એક ટીન હતું.
પોલીસે કારચાલક હિરેન દિલીપભાઈ પટેલ તેમજ જીગર હિતેન્દ્રભાઈ પટેલ (બંને રહે શિવમ બંગલો, કરમસદ રોડ આણંદ)ઉપરાંત સ્મિત મુકેશભાઈ પટેલ (સૌરાષ્ટ્ર કોલોની, મોટા બજાર,વલ્લભ વિદ્યાનગર) તેમજ કેવલ હેતાભાઇ પટેલ (આનંદ બંગલો કરમસદ રોડ આણંદ)ની ધરપકડ કરી હતી.