– ખેડા જિલ્લામાં 39,929 હેક્ટરમાં વાવેતર
– પાક તૈયાર છતાં ખરીદીના ઠેકાણાં નથી : ભાવ જાહેર કરી એપીએમસી દ્વારા ખરીદી શરૂ કરવા માંગ
નડિયાદ : ખેડા જિલ્લામાં રવી સીઝનમાં તમાકુનું ૩૯,૯૨૯ હેક્ટરમાં વાવેતર થયું છે. ત્યારે તમાકુના ભાવ જાહેર ના કરાતા નડિયાદ તાલુકામાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. પાક તૈયાર થઈ ગયો હોવા છતાં ખરીદી શરૂ નહીં થતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે. ત્યારે ત્વરિત ભાવ જાહેર કરી ખરીદી શરૂ કરાય તેવી માંગણી ઉઠી છે.
ખેડા જિલ્લામાં ૨૦૨૩-૨૪માં કલકત્તી અને દેશી તમાકુની ખરીફ સિઝનમાં ૩૬,૬૨૨ હેક્ટરમાં અને રવિ સિઝનમાં ૨૭,૦૪૯ હેક્ટરમાં રોપણી કરાઈ હતી. જ્યારે ૨૦૨૪-૨૫માં ખરીફ સીઝનમાં ૨૯,૦૫૦ હેક્ટર જ્યારે રવિ સીઝન ૩૭,૯૨૯ હેક્ટરમાં તમાકુનું વાવેતર કરવામાં આવ્યું હતું. નડિયાદ તાલુકામાં પીપલગ, પીપળાતા, આખડોલ, મિત્રાલ, રામોલ, પીજ, નરસંડા, રાજનગર, વડતાલ, ડભાણ, દંતાલી ગામોમાં કલકત્તી તમાકુની રોપણી કરાય છે. જ્યારે હાથજ મરીડા, વીણા, મુલજ, દવાપુરા, બીલોદરા, મહુધા પંથકના ગામોમાં દેશી તમાકુનું વાવેતર થાય છે. ત્યારે હાલ તમાકુનો પાક તૈયાર થઈને ખેડૂતોના ઘરે આવી ગયો છે પરંતુ, વેપારીઓએ તમાકુની ખરીદી શરૂ કરી નથી. વેપારીઓ રજૂ ભાવ જાહેર થયા ન હોવાનું રટણ કરી રહ્યા છે. ત્યારે ચાલુ વર્ષે તમાકુના મણના ભાવ બે હજાર રૂપિયા રહેવાની સંભાવના જણાઈ રહી છે. પરંતુ ખરીદી શરૂ ન કરાતા ખેડૂતો કફોડી હાલતમાં મૂકાયા છે. એપીએમસી દ્વારા તમાકુની ખરીદી અગાઉ શરૂ કરાઈ હતી પરંતુ, છેલ્લા બે વર્ષથી નડિયાદ એપીએમસી દ્વારા તમાકુની ખરીદી બંધ કરવામાં આવી છે. ત્યારે એપીએમસી દ્વારા તમાકુની ખરીદી શરૂ કરવા માંગણી ઉઠી છે.
અનાજ, તમાકુ બજાર માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાશે : એપીએમસી ચેરમેન
નડિયાદ એપીએમસીના ચેરમેન અપૂર્વ પટેલે જણાવ્યું હતું કે, તમાકુનું બજાર ઊભું કરવા જગ્યા શેડ જોઈએ, હાલમાં બજાર ઊભું કરવા એપીએમસી પાસે જગ્યા નથી પરંતુ, ખેડૂતોને સારા ભાવ મળે તેવા આશયથી અનાજ તેમજ તમાકુ બજાર માટે આગામી સમયમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા કામગીરી હાથ ધરી છે.
તમાકુ છોડી ચિકોરી જેવા રોકડિયા પાક તરફ ખેડૂતો વળ્યાં
તમાકુમાં મોંઘા ખાતર- દવા, પિયત કરવા છતાં તમાકુના ધરૂવાડિયા નિષ્ફળ જાય છે. જેના લીધે ધરૂના ભાવ ઊંચા જતા રહે છે. જેથી તમાકુનાની ખેતી પાછળ પુરતું વળતર મળી રહેતું નથી. ત્યારે હવે ખેડૂતોએ તમાકુના બદલે ચિકોરી જેવા ઓછા ખર્ચમાં વધુ વળતર મળે તેવા રોકડિયા પાકના વાવેતર તરફ વળ્યા છે.