– અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર
– ફૂલહાર લેવા જઈ રહેલા વડોદરાના દંપતીને અકસ્માત : સારવાર વખતે મહિલાનું મૃત્યું
આણંદ : અમદાવાદ- વડોદરા હાઈવે પર આણંદના વાસદ ગામ પાસે આઈશરના ચાલકે રોડ ક્રોસ કરતી ૩૮ વર્ષીય મહિલાને અડફેટે લીધી હતી. મહિલાનું વડોદરા સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે ટેમ્પા ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા ખાતે રહેતા પરેશભાઈ વિનોદભાઈ રાજપુતની સાસરીમાં પ્રસંગ હોવાથી ગત શનિવારના રોજ તેઓ તથા પત્ની જ્યોત્સનાબેન મોટરસાયકલ લઈને વાસદ ખાતે આવ્યા હતા અને ત્યાં રાત્રી રોકાણ કર્યું હતું. બાદમાં રવિવારના રોજ બપોરના સુમારે તેઓ વડોદરા જવા માટે નીકળ્યા હતા. મોટરસાયકલ લઈને અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે ઉપર આવેલા વાસદ ગામની કિસ્મત કાઠિયાવાડી હોટલ પાસે પહોંચ્યા હતા જ્યાં ફુલહાર લેવાના હોવાથી પરેશભાઈએ બાઈક રોડની સાઈડમાં પાર્ક કર્યું હતું અને પતિ પત્ની બંને ફુલહાર લેવા માટે જતા હતા. દરમિયાન વડોદરા તરફથી પુરપાટ ઝડપે આવી ચડેલ આઇશરના ચાલકે રોડ ક્રોસ કરવા જતા જ્યોત્સના બેનને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં તેઓને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે વાસદ પોલીસે પરેશભાઈ રાજપુતની ફરિયાદના આધારે આઇશર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.