Bharuch Fraud Case : ભેજાબાજે ખાનગી ફાઈનાન્સમાં રૂ.6.88 લાખની રકમ બાકી વાળી થર્ડ પાર્ટીની કારનું ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે વેચાણ કરી રૂ.4.65 લાખ પડાવી છેતરપિંડી આચરવા મામલે ફરિયાદના આધારે પાલેજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામ ખાતે રહેતા ફારુકભાઈ ભાણીયા ઇકો કાર ચલાવે છે. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, ગઈ તા.10 મે ના રોજ ઓએલએક્સ પર ઇકો કાર વેચવાની જાહેરાત હતી. કાર મને પસંદ આવતા તેમાં દર્શાવેલ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરતા યોગેશ બેલેરાવ (રહે-શાલીમાર ટોકીઝની પાછળ, ભરૂચ) નામની વ્યક્તિએ કારની કિંમત રૂ.5.50 લાખ જણાવી હતી. ત્યારબાદ તે વ્યક્તિએ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રૂબરૂ મળી કાર બતાવી હતી. અને રૂ.4.85 લાખમાં કાર ખરીદવાનો મેં સોદો કર્યો હતો. યોગેશએ મને અલગ અલગ મોબાઈલ નંબરમાં પૈસા ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. અને ટુકડે-ટુકડે રોકડ તથા ઓનલાઇન મળી કુલ રૂ.4.65 લાખ ચૂકવી દીધા હતા. મે કાર સંબંધિત જરૂરી દસ્તાવેજોની માંગણી કરતા તેણે કહ્યું હતું કે, કાર લઈ જાઓ હું એકાદ દિવસમાં કારના તમામ કાગળો તમારા ઘરે આપવા આવીશ. ત્યારબાદ યોગેશએ કોઈ દસ્તાવેજ ન આપતા શંકા ગઈ હતી. અને તપાસ કરતાં આ કાર રવિ કિશન નામના વ્યક્તિની હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ યોગેશે ચોલા મંડળ ફાઇનાન્સની રૂ.3.70 લાખ ભરેલ રસીદ બતાવી કહ્યું હતું કે, આ કાળની રકમને ભરી દીધી છે ડોક્યુમેન્ટ આવે એટલે કાર તમારા નામ ઉપર કરી દઈશ. ત્યારબાદ પણ કાર મારા નામ ઉપર ટ્રાન્સફર ન થતા ચોલામંડલમ ફાઇનાન્સ કંપની ખાતેની કચેરીમાં પહોંચ્યો હતો. જ્યાં જાણવા મળ્યું હતું કે, આ કાર મૂળ હરકિશન સોલંકીના નામે હોય રૂ.6.88 લાખ ઉપરાંતની લોન ચાલુ છે. અને યોગેશે મને દર્શાવેલી રસીદ ખોટી હતી. જેથી યોગેશને આ બાબતે જાણ કરતા તારાથી થાય તે કરી લેજે તેવી ધમકી આપી હતી. ઉક્ત ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે વિશ્વાસઘાત છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી.