નવી દિલ્હી : નાણાકીય વર્ષ ૨૦૨૪ દરમિયાન ૧૦ ટકાની બે-અંકી વૃદ્ધિ પછી, દેશના વાહન વેચાણમાં નાણાકીય વર્ષ ૨૦૨૫ ના અંતે પાંચ ટકાથી વધુ વૃદ્ધિ થવાની ધારણા છે અને તે ૨.૬ કરોડ સુધી પહોંચશે. નાણાકીય વર્ષ ૨૦૨૫માં ઇલેક્ટ્રિક વાહન (ઈવી)નું વેચાણ પણ પહેલીવાર ૨૦ લાખનો આંકડો પાર કરી રહ્યું છે.
આ વર્ષે માર્ચ મહિનો મુખ્ય અવરોધ હતો, જ્યારે ગયા નાણાકીય વર્ષના સમાન મહિનાની તુલનામાં વેચાણમાં લગભગ ૧૪ ટકા (૩૦ માર્ચ સુધી) ઘટાડો થયો હતો. આ માહિતી વાહન પોર્ટલ પર ઉપલબ્ધ ડેટા પરથી પ્રાપ્ત થઈ છે.
માહિતી અનુસાર, નાણાકીય વર્ષ ૨૫ દરમિયાન, ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ પહેલી વાર ૨૦ લાખનો આંકડો વટાવી ગયું છે, જે નાણાકીય વર્ષ ૨૪માં થયેલા ૧૬ લાખ વાહનોના વેચાણ કરતાં ૨૦ ટકા વધુ છે. આ નાણાકીય વર્ષમાં ૩૦ માર્ચ સુધી કુલ વાહનોનું વેચાણ ૨.૫૯ કરોડ રહ્યું, જે ૨૦૨૩-૨૪માં ૨.૪૬ કરોડ અને ૨૦૨૩-૨૩માં ૨.૨૩ કરોડ હતું. ઓટો ઉદ્યોગને નાણાકીય વર્ષ ૨૬ માં પેસેન્જર વાહનો જેવી મુખ્ય શ્રેણીઓમાં સ્થિર વૃદ્ધિની અપેક્ષા છે.
ગયા મહિને સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ની બેઠકમાં, પેસેન્જર વાહન કંપનીઓએ સંમતિ આપી હતી કે ૨૦૨૫-૨૬ માં વેચાણમાં માત્ર એક થી બે ટકાનો વધારો જોવા મળી શકે છે. આનું કારણ નબળી માંગ, એન્ટ્રી-લેવલ કારના વેચાણમાં ઘટાડો, ફુગાવો, ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યન અને ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓ છે એમ પેસેન્જર વાહન કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું. આ ક્ષેત્રનો એકંદર ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) ૨૦૩૦ સુધીમાં લગભગ ચાર ટકા રહેવાની ધારણા છે.