– છેલ્લા 24 કલાક કરતા વધારે સમયથી ડુંગરો પર આગ લાગેલી છે
– ફાયરના વાહનો પહોંચી શકે તેમ નહી હોવાથી આગ પ્રસરે નહી તે માટે પ્રયાસો ચાલી રહ્યાં છે : બન્ને આગ કંટ્રોલમાં હોવાનો તંત્રનો દાવો
ભાવનગર : ભાવનગર જિલ્લાના પાલિતાણાના હસ્તગીરી ડુંગર અને મહુવા તાલુકાના વાવડી ગામના ડુંગરો છેલ્લા ૨૪ કલાકથી આગની ચપેટમાં છે. ફાયર વિભાગના વાહનો સ્થળ પર પહોંચી શકે તેમ નહી હોવાથી આગ પ્રસરે નહી તે માટેના પ્રયાસો ચાલી રહ્યાં છે અને બીજી તરફ બન્ને ડુંગરોમાં લાગેલી આ આગ કંટ્રોલમાં હોવાનો તંત્ર તરફથી દાવો કરવામાં આવ્યો છે.
ભાવનગર જિલ્લાના પાલિતાણાના હસ્તગીરી ડુંગરો પર ગત શનિવારની રાત્રિના આગ લાગી હતી જે કાબુમાં આવ્યા બાદ ફરી ગતરોજ બપોરના ત્રણ કલાકના અરસામાં ફરી હસ્તગીરીના ડુંગરો પર પવનના કારણે આગ પ્રસરતા પાલિતાણા ફાયર વિભાગે આગને કાબુમાં લેવાની કામગીરી આરંભી હતી પરંતુ ડુંગરોની ખીણ વચ્ચે સુકાઘાસમાં પ્રસરેલી આગ સુધી ફાયર વિભાગના વાહનો પહોંચી શકે તેમ નહી હોવાથી ફાયર વિભાગ દ્વારા આગ વધુ પ્રસરે નહી તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. હાલ ઘટના સ્થળે પાલિતાણા ફાયર વિભાગ અને વનવિભાગ સ્ટેન્ડબાય હોવાનું અને આગ કાબુમાં હોવાનું ડિઝાસ્ટર મામલતદાર ભાવનગર દ્વારા જણાવાયું છે. જ્યારે બીજી તરફ મહુવા તાલુકાના વાવડી ગામના ડુંગરોમાં ગત રોજ બપોરે ત્રણ કલાકે આગ લાગી હતી તે આગ પણ કંટ્રોલમાં હોવાનું તેમણે ઉમેર્યું હતું. બન્ને આગમાં કોઈ જાનહાનિની વિગત સામે આવી નથી પરંતુ આ વિસ્તારમાં નાના મોટા પશુ-પંખીઓ અને વન્યજીવોની અવર-જવર શરૂ હોવાથી અહીંની વન્યજીવ સૃષ્ટિ અને પર્યાવરણને નુકસાન થયું હોવાની સંભાવનાઓ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યાં છે.
ખરડકી-સમઢિયાળા રોડ વચ્ચેના ડુંગરમાં આગ
ભાવનગર નજીક આવેલા ખરકડી-સમઢિયાળા રોડ વચ્ચે આવેલા ખેતરની બાજુમાં આવેલા ડુંગરોમાં આજે બપોરે ૪ કલાકના અરસામાં આગ લાગી હોવાની જાણ ભાવનગર ફાયર વિભાગને કરવામાં આવતા ભાવનગર ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચી એક ગાડી પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી.
સિહોરના રહેણાંકી મકાનમાં આગનો બનાવ
સિહોર-ટાણા રોડ પર રાધે મઢૂલી રામ ટેકરી સામે માવજીભાઈ પ્રાગજીભાઈ ચૌહાણના રહેણાંકી મકાનમાં આજે બપોર બાદના સમયે શોક્સર્કિટના કારણે આગ લાગી હતી. જેની જાણ સિહોર ફાયર વિભાગને કરવામાં આવતા સિહોર નગરપાલિકાના ફાયર સ્ટાફે ઘટના સ્થળે પહોંચી ૧૫ હજાર લીટર પાણીનો છંટકાવ કરી બે કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આ આગમાં અંદાજે રૂ.૧ લાખનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. સદ્નસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી.