વડોદરા,કારમાં વિદેશી દારૃ લઇને જતા આરોપીને પી.સી.બી. પોલીસે કારેલીબાગ વિસ્તારમાંથી ઝડપી પાડયો છે. જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.
પીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે,નવાયાર્ડ તરફથી એક કાળા કલરની કારમાં વિદેશી દારૃનો જથ્થો ભરીને જી.આઇ.પી.સી.એલ. સર્કલ થઇ કારેલીબાગ વુડા સર્કલ થઇને જવાની છે. જેથી, પી.સી.બી. પી.આઇ. સી.બી. ટંડેલની સૂચના મુજબ, સ્ટાફે વોચ ગોઠવીને દારૃ ભરેલી કાર ઝડપી પાડી હતી. કારમાંથી વિદેશી દારૃની ૭૧૯ બોટલ કિંમત રૃપિયા ૨.૪૦ લાખની મળી આવી હતી. પોલીસે કાર, દારૃ અને મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૩.૨૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આરોપી કપીલસીંગ વિરેન્દ્રસીંગ કુંતલ ( હાલ રહે. આમ્રપાલી સોસાયટી, બાજવા, મૂળ રહે. સરદાર નગર , રેલવે કોલોની નવાયાર્ડ) ને ઝડપી પાડયો હતો. જ્યારે આરોપી રૃબીન ઉર્ફે કટે શેખને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે હાથ ધરેલી પૂછરપછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે,દારૃનો જથ્થો પશ્ચિમ રેલવે પોલીસની હદમાં આવેલા એક ગોડાઉનમાંથી ભર્યો હતો. જે અંગે પશ્ચિમ રેલવે પોલીસને જાણ કરવામાં આવી છે.