200 ટન એલ્યુમિનિયમ એસની જરૂર છે તેમ કહી MOUના બહાને બોલાવ્યા હતા : બંદૂક બતાવી, નગ્ન વીડિયો ઉતારી, રૂ. 3.50 લાખ રોકડા અને બે મોબાઇલ ફોન પડાવી મૂક્ત કર્યા : શાપર પોલીસમાં ગુનો નોંધાયો
રાજકોટ, : રાજકોટના કારખાનેદાર સહિત બેને એમઓયુ કરવાના બહાને બિહારના પટનામાં બોલાવી, અપહરણ કરી, રૂ. દોઢ કરોડની ખંડણી માગી, અંદાજે રૂ. 3.50 લાખ અને બે મોબાઇલ ફોન પડાવી લેવાયા હતાં. શાપર પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે.
નાનામવાના વ્રજ કોમ્પલેક્સમાં રહેતા મૂળ કાલાવડ તાલુકાના બાંગા ગામના મહેક પ્રફુલભાઈ ચોવટીયા (ઉ.વ. 22)એ બીબીએ સુધી અભ્યાસ કર્યો છે. તેણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઇ તા. ૨૫ માર્ચના રોજ સવારે સાતેક વાગ્યે તેના પિતા સાથે કારખાને હતો ત્યારે અજાણ્યા નંબર ઉપરથી તેને કોલ આવ્યો હતો. જેમાં સામાવાળાએ પોતાની ઓળખ ઝારખંડના હજારીબાગમાં આવેલી સેન્ટ્રલ કોલફીલ્ડ લિમિટેડ નામની કંપનીના એજીએમ શિવરાજ સગી તરીકે આપી કહ્યું કે અમારે મહિને 200 ટન એલ્યુમિનિયમ એસની જરૂરિયાત છે, તમે આપી શકશો. જેથી તેના પિતાએ હા પાડતાં એમઓયુ કરવા માટે બોલાવ્યા હતાં. જેથી તેના પિતા તેના કૌટુંબીક કાકા આશિષ ભંડેરી સાથે ગઇ તા. 27 માર્ચના રોજ અમદાવાદથી ફલાઇટમાં પટના ગયા હતાં. એરપોર્ટ ઉપર એક શખ્સે તેમને કોલ કરી રાહુલ તરીકે ઓળખાણ આપી હતી. થોડીવાર બાદ તે કાર લઇ એરપોર્ટે લેવા આવ્યો હતો. તેની સાથે ડ્રાઇવર પણ હતો. તેના પિતા અને કૌટુંબિક કાકા કારમાં બેસી ગયા હતાં. રસ્તામાં કાર એક મહિલા સાથે અથડાતા તેને દવાખાને લઇ જવા માટે રાહુલ ઉતરી ગયો હતો. ત્યાર પછી ડ્રાઇવર તેના પિતા અને કૌટુંબિક કાકાને ૭૦ થી ૮૦ કિલોમીટર દૂર લઇ ગયો હતો. રસ્તામાંથી એક શખ્સ કારમાં બેઠો હતો. જેણે તેના પિતા અને કૌટુંબિક કાકાને ગન બતાવી, ડરાવ્યા બાદ બે-ત્રણ કિલોમીટર આગળ લઇ ગયો હતો. જ્યાંથી બે બાઇકમાં ચાર શખ્સો આવ્યા હતાં અને અવાવરૂ ખેતરમાં લઇ ગયા હતા. જ્યાં તેના પિતા અને કૌટુંબિક કાકાનાં મોબાઇલ ફોન તથા બંનેના પાકીટ, તેમાં રહેલી રોકડ રકમ, લેપટોપ લઇ લીધું હતું. એટલું જ નહીં તેમના પાસવર્ડ માંગી બંનેના મોબાઇલ ફોન ફલાઇટ મોડમાં મૂકાવી, વાઇફાઇથી કનેક્ટ કરી, મોબાઇલ ફોનના વોટ્સએપમાં શેર કરેલ લાઇવ લોકેશન ડીલીટ કરાવી નંખાવ્યું હતું. થોડીવાર રાહુલ ત્યાં આવ્યો હતો. તેની સાથે બીજા ત્રણ-ચાર માણસો તેના પિતા અને કૌટુંબિક કાકાને ત્યાંથી પાંચેક કિલોમીટર દૂર ખેતરમાં લઇ ગયા હતાં.તે વખતે રાહુલ અને તેની સાથેનો એક શખ્સ કાર લઇ ત્યાંથી જતા રહ્યા હતા. બીજા પાંચ શખ્સો હાજર હતાં. જેમાંથી ચાર પાસે જોટાવાળી બંદૂક હતી. એક શખ્સ ખેતરની ઓરડીમાંથી ફોનમાં વાત કરાવતો હતો જ્યારે બીજો શખ્સ બેન્ક એકાઉન્ટની ડીટેઇલ માંગતો હતો. આખરે દોઢ કરોડની માગણી કરી હતી, નહીંતર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બીજા દિવસે તા. 28મીએ તેના પિતના મોબાઇલમાંથી તેને વોટ્સએપ કોલમાં વાત કરાવી, રૂ. 50 લાખની માગણી કરી હતી. આ રીતે ઘણા કોલ કરાવ્યા હતાં. એટલું જ નહીં તેના પિતા અને કૌટુંબિક કાકાને ધોકા વડે મારકૂટ કરી, તેમના નગ્ન વીડિયો પણ ઉતાર્યા હતાં. આખરે તેના પિતાએ પૈસા આપવાની હા પાડી પોતાના બેન્ક એકાઉન્ટમાથી રૂ. 2.50 લાખ ટ્રાન્સફર કર્યા હતાં. સાંજે બે શખ્સો તેના પિતા અને કૌટુંબિક કાકાને કારમાં બેસાડી બિહારનાં ઇસ્લામાપુર ટાઉનથી આશરે એકાદ કિલોમીટર દૂર લઇ ગયા હતાં. જ્યાં બનેના પાકીટ અને લેપટોપ આપી ઉતારી દીધા હતાં. આ પછી તેના પિતાએ એક મોબાઇલ ફોનની દુકાનમાંથી કોલ કરી ગૂગલ પેથી પૈસા મંગાવી, તે દુકાનેથી નવો મોબાઇલ ફોન અને સીમ લઇ બસમાં બેસી તા. ૨૯મીએ રાંચી પહોંચ્યા હતાં. તે પણ રાંચી પહોંચી ગયો હતો. જ્યાંથી ત્રણેય પછીથી ફલાઇટમાં અમદાવાદ આવી ગયા હતાં. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ બેન્ક ખાતામાંથી રકમ ઉપાડી હતી. તેમજ ક્રેડીટ કાર્ડથી એમેઝોન એકાઉન્ટમાં રૂ. 8,000નું ગિફટ કાર્ડ લઇ એક ઇ-મેઇલ એડ્રેસ ઉપર ટ્રાન્સફર કરી દીધું હતું. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક કરી લીધું હતું. આખરે આ અંગે શાપર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં સંડોવાયેલી ટોળકી હજુ પણ તેના પિતાને વોટ્સએપ કોલ કરી, ખંડણીની રકમ માગી રહી છે. જો તે ન મળે તો તેના છોકરાઓને ફરીથી ઉપાડી જવાની ધમકી આપે છે.