MLA Chaitar Vasava Bail : દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદ બાદ ચૈતર વસાવાની પાંચમી જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી ચૈતર વસાવા જેલમાં બંધ હતા. જ્યારે હવે વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે કોર્ટે ચૈતર વસાવાના ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે.
ચૈતર વસાવાના ત્રણ દિવસના જામીન મંજૂર
મળતી માહિતી મુજબ, છેલ્લા બે મહિનાથી વધુ સમયથી જેલમાં બંધ ચૈતર વસાવાના કોર્ટે આગામી 8, 9 અને 10 સપ્ટેમ્બર સુધી પોલીસ જાપ્તા સાથે જામીન મંજૂર કર્યા છે. આ ત્રણ દિવસ બાદ તેમને વડોદરાની સેન્ટ્રલ જેલમાં હાજર થવાનું રહેશે. જોકે, તેવામાં ચૈતર વસાવા વિધાનસભા સત્રમાં હાજરી આપી શકે છે.
આ પણ વાંચો: અમદાવાદ સહિત ગુજરાતમાં દારૂ-ડ્રગ્સ વેચનારા બેફામ, કડક કાર્યવાહી માત્ર કાગળ પર
શું છે સમગ્ર મામલો?
નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે AAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે પાંચમી જુલાઈના રોજ ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના ATVT (આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન બની હતી. આ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.