Chaniya Choli Market: રશિયા સાથે ક્રૂડ ઓઇલની ખરીદી કરવા બદલ અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફની અસર નવરાત્રિના ચણિયાચોળીના એક્સપોર્ટ પર પણ પડી રહી છે. વિશ્વના સૌથી લાંબા ડાન્સ ફેસ્ટિવલ એવા નવરાત્રિમાં ચણિયાચોળી અને હેન્ડીક્રાફ્ટ આઇટમ્સ ટેક્સટાઇલ અને એપરલ્સની કેટેગરીમાં આવતી હોવાથી તેમના માથે પણ ટેરિફનું જોખમ આવી રહ્યું છે.
ચણિયાચોળી પર ટેરિફનું જોખમ
અમેરિકન ટેરિફનું જોખમ સ્થાનિક ચણિયાચોળી પર પણ આવી રહ્યું છે. ગુજરાતના ચણિયાચોળી અને હેન્ડીક્રાફ્ટના વેપારીઓને પચાસ ટકા ટેરિફને લઈને તેના એક્સપોર્ટમાં 50 ટકા ઘટાડાનો સામનો કરી રહ્યા છે. એક બાજુ આખું વર્ષ તેના ઉત્પાદન સાથે કારીગરોએ તૈયારી કરી રાખી છે, ત્યારે ટેરિફનું ગ્રહણ આવતા વેપારી અને કારીગરોમાં નિરાશા વ્યાપી છે.
આ પણ વાંચોઃ બે વર્ષની ખોટ બાદ આખરે અમદાવાદ મેટ્રો નફાના ‘ટ્રેક’ પર દોડી, રૂ. 239 કરોડનો નફો
ટેક્સટાઇલ પ્રોડક્ટમાં 60 થી 70 ટકાના ઘટાડા
આ અંગે વાત કરતાં એક જાણીતા હેન્ડલૂમ વિક્રેતા જણાવે છે કે, ચણિયાચોળીના બિઝનેસ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના હજારો પરિવારો સંકળાયેલા છે. ચણિયાચોળીની સાથે બીડ વર્ક, એપ્લિક વર્ક, હેન્ડ એમ્બ્રોઈડરી અને મશિન એમ્બ્રોઈડરી પણ જોડાયલા છે. જેની સીધી અસર સ્થાનિક કારીગરોને પણ પડી રહી છે. જો આમને આમ ચાલ્યું તો ટેક્સટાઇલ પ્રોડક્ટમાં 60 થી 70 ટકાના ઘટાડાનો સામનો કરવો પડશે.
10 ટકા સબસિડીની માંગ
હાલ ભારતમાંથી એક્સપોર્ટ કરતાં વેપારીઓ 10 ટકા સબસિડીની માંગણી પણ કરી રહ્યા છે. જેથી તેમને કંઈક રાહત મળે. ભારતના હેન્ડલૂમ ઉત્પાદનો જેમ કે ગાલીચા, શાલ, ચાદરની યુ.એસ.માં અંદાજિત નિકાસ આશરે 4200 કરોડ રૂપિયાની છે. જ્યારે હસ્તકલા કે હેન્ડીક્રાફ્ટની નિકાસમાં યુ.એસ. ભારતની હસ્તકલાનો 38 ટકા હિસ્સો ધરાવે છે, જેનું મૂલ્ય 2022-23માં 9576-23,860 કરોડ રૂપિયા હતું. જે ટેરિફ બાદ આ વર્ષના અંતે વધુ ઘટે તેવી શક્યતા છે. ગુજરાત (સુરત, અમદાવાદ) ટેક્સટાઇલ અને હસ્તકલામાં યુ.એસ.ને 29,400 કરોડ રૂપિયાની કિંમતના ઉત્પાદનો ઓક્સપોર્ટ કરે છે, જેમાં ગુજરાતના ચણિયાચોળી અને હસ્તકલાના વિવિધ આર્ટિફેક્ટનું આગવું સ્થાન છે. ઘણાં નિષ્ણાંતો માને છે કે 27 ઓગસ્ટ, 2025થી લાગુ 50% ટેરિફથી ગુજરાતની નિકાસ 50-70% ઘટી શકે છે.
આ પણ વાંચોઃ ધોળીધજા ડેમ રોડ પર ગણપતિ વિસર્જન માટે કુંડ બનાવવામાં આવ્યો
ગુજરાતમાં વિવિધ 52 પ્રકારના હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના આર્ટિસ્ટોની બહોળી વસ્તી છે, જેમની આવક સ્થાનિક વેપારીઓ થકી એક્સપોર્ટ સાથે પણ સંકળાયેલી છે. જેની સીધી અસર થવાની પણ ભીતી છે. જો કે, ભારતનું સ્થાનિક માર્કેટ પણ સબળ હોવાથી આ અસર પણ કેટલાંક સમય પછી નિવારી શકાય છે. પરંતુ, હાલમાં ઓછામાં ઓછા હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના માર્કેટમાં અમેરિકન એક્સપોર્ટરો દ્વારા કેટલાક ભયસ્થાનો જોઈ રહ્યા છે.