ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નવા બનાવેલા
અતિસંવેદનશીલ ગણાતા ક્રિટીકલ કેર યુનિટમાં સતત પાણી પડવાને કારણે ઇન્ફેક્શન કંટ્રોલની ગુણવત્તા સામે પણ સવાલો
ગાંધીનગર : ગાંધીનગર સિવિલની ૬૦૦ બેડની બિલ્ડિંગમાંથી જુની બિલ્ડીંગના
ગ્રાઉન્ડ ફ્લોરે તાજેતરમાં ખસેડવામાં આવેલા આઈસીસીયુ હવે જાતજાતની સમસ્યાઓથી
ઘેરાયું છે. ચોમાસાની મોસમ શરૃ થતાંજ અહીં છતમાંથી સતત પાણી ટપકી રહ્યું છે. આ
સમસ્યા પહેલા જ દિવસે બહાર આવી ગઈ હતી,
પરંતુ હવે સતત પાણી પડવાને કારણે એક બેડની જગ્યા બંધ કરવી પડી છે તથા
ઇન્ફેક્શન કંટ્રોલની ગુણવત્તા ઉપર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.
સિવિલ હોસ્પિટલના એકમાત્ર આઈસીસીયુમાં હાલ પાણી ટપકવાનું પ્રમાણ
એટલું વધી ગયું છે કે અહીંનો ૧૫ નંબરનો બેડ ખાલી રાખવો પડી રહ્યો છે. માત્ર એટલું જ
નહીં, તંત્રને છતમાંથી
ટપકતું પાણી રોકવા માટે આઇસીસીયુની અંદર બેથી ત્રણ જગ્યાએ મોટા પ્લાસ્ટિકના ડ્રમ મુકવા
પડી રહ્યા છે જેથી પાણીનો પ્રવાહ નિયંત્રિત કરી શકાય. આ રીતે પાણીનું ટપકવું એક ગંભીર
મુદ્દો બનીને ઉભરી આવ્યું છે,
ખાસ કરીને ત્યારે જ્યારે આઈસીસીયુમાં પહેલેથી જ પથારીની અછત છે અને જીવલેણ સ્થિતિમાં
આવેલા દર્દીઓ માટે દરેક બેડ મહત્વનો હોય છે.
આઈસીસીયુ જેવી અતિ સંવેદનશીલ અને સ્ટેરાઈલ ઝોન ગણાતી જગ્યા
માટે છતમાંથી પાણી ટપકવાનું બાબત ઈન્ફેક્શન કંટ્રોલના નિયમોને પણ પડકારિત કરી રહી
છે. આવી સ્થિતિમાં દર્દીઓને માવજત આપતી તબીબી ટીમ તથા નસગ સ્ટાફને પણ મુશ્કેલીનો
સામનો કરવો પડી રહ્યો છે.પ્રાથમિક તારણ મુજબ આઈસીસીયુની ઉપરના માળે આવેલ બાળકોના
વિભાગમાંથી પાણી લીક થતું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બેદરકારી તાત્કાલિક
દુર ન કરવામાં આવે તો આઈસીસીયુની કામગીરી પર સીધો અસર પડે તેવી શક્યતા છે.