Misdemeanor In Jamnagar: જામનગરના નવા નાગના ગામમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર તેના પરિવાર શખસે દુષ્કર્મ આચર્યું હતું. સગીરા ગર્ભવતી બનતા આ મામલો સામે આવ્યો હતો. જે બાદ સગીરાની માતાએ આરોપી સામે બેડી મરીન પોલીસ મથકમાં દુષ્કર્મ અંગેનો ગુનો નોંધાવ્યો હતો. આ ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપીએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કરતા ઈજાગ્રસ્ત થયો હતો, હાલ તે સારવાર હેઠળ છે.
વિદ્યાર્થિનીએ મૃત બાળકને જન્મ આપ્યો
મળતી માહિતી અનુસાર, જામનગર તાલુકાના નવાનાગના ગામમાં રહેતી 15 વર્ષીય સગીરા પર પોતાનાં જ કુટુંબી 25 વર્ષીય શખસે હવસનો શિકાર બનાવી હતી. જેના કારણે સગીરા ગર્ભવતી બની ગઈ હતી. જ્યારે સગીરાને પ્રસુતિની પીડા ઉપડી હતી અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબોએ સગીરાને ગર્ભવતી જાહેર કરી હતી, એટલું જ માત્ર નહીં, તેણીએ મૃત બાળકને જન્મ આપ્યો હતો.
આ પણ વાંચો: વ્યાયામ શિક્ષકોની સચિવાલય બહાર ઉગ્ર રજૂઆત: બે શિક્ષક ઈજાગ્રસ્ત, ટિંગાટોળી કરી અનેકની અટકાયત
બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર સગીરાની માતાએ પાડોશમાં જ રહેતા અને નજીકના કુટુંબી એવા 25 વર્ષના શખસ સામે દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે અંગે બેડી મરીન પોલીસ મથકમાં આરોપી સામે પોક્સો સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસની ટીમ આરોપીને શોધી રહી હતી. આ દરમિયાન આરોપી જામનગર નજીક જામ વણથલી રેલવે સ્ટેશને પહોંચી ગયો હતો. જ્યાં તેણે ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આપઘાતનો પ્રયાસ કરતાં પોતે ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવને લઈને નવા નાગના ગામમાં ભારે ચર્ચા જાગી છે.