વડોદરાઃ સયાજી હોસ્પિટલને સંલગ્ન બરોડા મેડિકલ કોલેજમાં એમબીબીએસનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પહેલા વર્ષની પરીક્ષામાં ગેરરીતિની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે.
મળતી વિગતો પ્રમાણે તાજેતરમાં લેવાયેલી પરીક્ષામાં કેટલાક વિદ્યાર્થીઓ ચાલુ પરીક્ષાએ વોશરુમ જવાનું બહાનું કાઢીને વોશરુમમાં મોબાઈલમાંથી જવાબો વાંચી લેતા હતા અને પાછા આવીને ઉત્તરવહીમાં આ જવાબો લખતા હતા.
આ બાબત સામે આવ્યા બાદ મેડિકલ કોલેજના ડીને પરીક્ષામાં સુપરવિઝન કરતા સ્ટાફનો ઉધડો લીધો છે.ઉપરાંત વર્ગ ચારના ચાર જેટલા કર્મચારીઓને પરીક્ષા સ્થળેથી ડયુટી પરથી હટાવી લીધા છે.સમગ્ર મામલાની તપાસ માટે પાંચ સભ્યોની એક હાઈ પાવર કમિટીની પણ રચના કરવામાં આવી છે.જે એક સપ્તાહમાં મેડિકલ કોલેજના ડીનને અહેવાલ સુપરત કરશે.ડીનનું કહેવું છે કે, તપાસમાં કોઈ કસૂરવાર સાબિત થશે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલ સંકુલમાં અવાર નવાર દારુની ખાલી બોટલો પણ મળી આવી છે.આમ કેટલાક વિદ્યાર્થીઓ દારુ પીતા હોવાના આક્ષેપો પણ થયા છે.જોકે મેડિકલ કોલેજના ડીને આ પ્રકારના આક્ષેપોને નકારી કાઢ્યા છે.