વડોદરા,ગણેશજીની મૂર્તિ પર ઇંડા ફેંકવાના ગંભીર ગુનામાં પકડાયેલા માફિયા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું હતું. તેવા સમયે આરોપીઓને પ્રાઇવેટ કારમાં કોર્ટ પરથી જેલમાં લઇ જવામાં આવ્યા હોવાની વિગતો મળતા પોલીસે આરોપીઓની સરભરા કરી હોવાની ચર્ચા છે. જોકે, પોલીસનું કહેવું છે કે, સલામતીના કારણસર પ્રાઇવેટ કારમાં લઇ જવાયા હતા.
ગણેશોત્સવ પહેલા પાણીગેટ માંડવી રોડ પર ગણેશજીની મૂર્તિ પર ઇંડા ફેંકવાની ઘટનાના પગલે ભારે રોષ ફેલાયો હતો. પોલીસે કડક કાર્યવાહીની ખાત્રી આપતા જે – તે સમયે લોકોનો રોષ શાંત પડયો હતો. પોલીસે પણ આ ગુનામાં એક પછી એક કુલ ૧૦ આરોપીઓને ઝડપી પાડયા હતા. ધાર્મિક લાગણી દુભાવવાના અને કોમી અશાંતિ ફેલાવવાના આ ગંભીર ગુનાના મુખ્ય સૂત્રધાર અને માફિયા ગેંગના એડમિન જુનેદ સિન્ધી, અનસ કુરેશી અને તથા સમીર શેખને અજમેરની હોટલમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતાઆરોપીઓને વડોદરા લાવી પોલીસે દોરડા વડે હાથ બાંધી હાથ જોડાવીને વિસ્તારમાં ફેરવ્યા હતા. તેવા સમયે પોલીસ મુખ્ય આરોપી જુનેદ સહિતના આરોપીને પ્રાઇવેટ કારમાં કોર્ટમાં અને ત્યાંથી જેલમાં લઇ ગઇ હતી. જેના પગલે એવી ચર્ચા થઇ રહી છે કે, પોલીસે આરોપીઓની સરભરા કરી. સિટિ પી.આઇ. આર.બી. ચૌહાણે જણાવ્યું હતું કે, અમે આરોપીઓની કોઇ સરભરા કરી નથી. કડક કાર્યવાહી કરી જ છે.કોર્ટ નજીક આરોપીઓ પર હુમલો થવાના ઇનપુટ પોલીસને મળ્યા હતા. ભૂતકાળમાં પણ આ રીતે પોલીસ જાપ્તામાં જ આરોપીઓ પર હુમલાની ઘટના બની છે. આવી ઘટના ફરી ના બને તે હેતુસર પોલીસે એક વાન આગળ રાખી હતી અને પાછળ પ્રાઇવેટ કારમાં આરોપીઓને લઇ ગઇ હતી. કોર્ટ નજીક ગયા પછી પણ પોલીસ વાન અને પ્રાઇવેટ કાર અલગ – અલગ દરવાજેથી અંદર લઇ જવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, જૂનેદની માતા સાદીકાને ૧૦ દિવસ સુધી વડોદરામાં નહીં આવવાની શરતે જામીન આપવામાં આવ્યા છે.