નિયત જળાશયોએ બચાવ ટૂકડી તહેનાત, પોલીસ બંદોબસ્ત : ગણપતિ મહોત્સવના સાત દિવસ વરસાદનું વિઘ્ન ઓછું નડતાં ભીડ : લાખો કિલો લાડુનો પ્રસાદ વહેંચાયો : રાજકોટમાં આજી ડેમ, પાળ, ન્યારા, વાગુદડ પાસે વિસર્જન કરાશે, હવે જમીનમાં મૂર્તિ વિસર્જિત કરવાનું વધતું વલણ
રાજકોટ, : આવતીકાલે સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદના એલર્ટ વચ્ચે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આશરે 25,000 નાના કદથી માંડીને 9 ફૂટ સુધીની ગણપતિ પ્રતિમાઓના વિસર્જન ધામધૂમથી રંગેચંગે અને ભાવભક્તિપૂર્વક થશે. દરેક શહેરો,ગ્રામ્ય વિસ્તારમાં જળાશયોએ સેલ્ફી લેવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. મૂર્તિ પધરાવવા માટે જે તે વિસ્તારમાં નક્કી થયેલા જળાશયો કે જેનું પાણી પીવા, સિંચાઈ માટે વપરાતું નથી તે સિવાયના સ્થળ પ્રતિબંધિત જાહેર કરાયા છે.
રાજકોટમાં (1) આજી ડેમના ઓવરફ્લો (ડાઉનસ્ટ્રીમ)માં આવેલ ચેકડેમ અને બે ખાણ સહિત 3 સ્થળો, (2) શહેરની ભાગોળે પાળ ગામ, જખરા પીરની દરગાહ પાસે (3) જામનગર રોડ પર ન્યારા રોડ પર અને (4) કાલાવડ રોડ પર વાગુદડના પાટિયા પછી આવતા પૂલની નીચે એમ 4 સ્થળો નક્કી કરાયા છે. આ સ્થળોની આજે ઉચ્ચ અધિકારીઓએ સ્થળ વિઝીટ કરીને સલામતિ બંદોબસ્ત ચકાસ્યો હતો. ફાયરબ્રિગેડનો સ્ટાફ એમ્બ્યુલન્સ, રેસ્ક્યુવાન, ડુબતા વ્યક્તિઓને બચાવવાના સાધનો અને સ્ટાફ વગેરે સાથે તૈનાત રહેશે તેમજ પોલીસ આ માર્ગો પર ટ્રાફિક અને જાહેરનામા ભંગને રોકવા તૈનાત કરાશે. સમગ્ર સૌરાષ્ટ્રમાં વિસર્જન યાત્રા દરમિયાન અજાણ્યા ઉપર રંગ ઉડાડવા કે જળાશયોએ સેલ્ફી લેવા,નક્કી થયેલા સિવાયના સ્થળે મૂર્તિ પધરાવવા પર પ્રતિબંધ મુકાયો છે. ગત ગુરૂવાર સુધી ગણપતિ સ્થાપનના સાત દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં વરસાદનો એકંદરે વિરામ રહ્યો હતો જેના પગલે ભારે ધામધૂમથી ગણપતિ મહોત્સવ ઉજવાયો છે, ગઈકાલે વરસાદથી અનેક પંડાલોએ પાણી ભરાયા હતા. મોટા પંડાલોમાં દરેકમાં એક લાખથી વધુ ભાવિકોએ લાભ લીધો છે અને લાખો કિલો લાડુનો પ્રસાદનું વિતરણ થયું છે.