જસ્ટિસ બેલા ત્રિવેદી અને વકીલો વચ્ચે કોર્ટરૂમમાં ઉગ્ર માહોલ જોવા મળ્યો
સુપ્રીમનો સરેન્ડરનો આદેશ છતાં એસએલપી દાખલ કરી, તેમાં પણ ખામીથી જસ્ટિસ ત્રિવેદીએ નારાજગી વ્યક્ત કરી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં મંગળવારે ન્યાયાધીશ બેલા ત્રિવેદી અને વકીલો વચ્ચે આક્રામક દલીલો જોવા મળી હતી. ન્યાયાધીશ બેલા એમ ત્રિવેદી અને સતીશ ચંદ્ર શર્માની બેંચે એડવોકેટ ઓન રેકોર્ડ પી. સોમા સુંદરમને એક ક્રિમિનલ કેસમાં બિનજરૂરી અને અયોગ્ય અરજી દાખલ કરવા બદલ ટીકા કરી હતી. તે સમયે વકીલો અને બેંચ વચ્ચે આ વિવાદ જોવા મળ્યો હતો. વકીલોએ કોર્ટના આદેશનો વિરોધ કર્યો હતો જેને પગલે આ આદેશને સુધારવામાં આવ્યો હતો.
દલીલો દરમિયાન અન્ય વકીલોએ એડવોકેટ ઓન રેકોર્ડ પી. સોમા સુંદરમને સાથ આપ્યો હતો અને સુપ્રીમની બેંચ દ્વારા તેમની સામે જે કાર્યવાહી કરાઇ હતી તેનો વિરોધ કરી તેમાં સુધારો કરવા અપીલ કરી હતી. તેથી સુપ્રીમે પોતાના આદેશમાં સુધારો કરવો પડયો હતો. એસસી, એસટી એક્ટ અને આઇપીસીની કલમો હેઠળ નીચલી કોર્ટે સજા આપી હતી, જેની સામે દોષિતો મદ્રાસ હાઇકોર્ટ પહોંચ્યા હતા, જોકે મદ્રાસ હાઇકોર્ટે અપીલ રદ કરી હતી તેથી તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા અને સરેન્ડર કરવામાં છૂટ માગી હતી. જોકે સુપ્રીમે પણ અપીલ ફગાવીને સરેન્ડર કરવા આદેશ આપ્યો હતો. બાદમાં ફરી એક વખત વિશેષ અનુમતિ પિટિશન (એસએલપી) દાખલ કરીને સરેન્ડરની છૂટ માગી હતી. જેને લઇને કોર્ટે વાંધો ઉઠાવ્યો હતો. એક જ પ્રકારની અરજી ફરી કરવા બદલ વકીલોને અને અરજદારને ફટકાર લગાવી હતી.
સુનાવણી દરમિયાન જ્યારે વકીલ પી. સોમા સુંદરમ કોર્ટમાં હાજર થયા તો બેંચે નોંધ્યું કે અરજીમાં તથ્યો સાથે છેડછાડ કરવામાં આવી હતી, એટલુ જ નહીં અરજદારોની સહી મેળ નહોતી ખાઇ રહી સાથે જ તમામ કાગળો પર વકીલોની જ સહી હતી. એક જ પ્રકારની અપીલ ફરી કરવા બદલ સુપ્રીમની બેંચે તેને ન્યાય પ્રક્રિયાના દુરુપયોગ સમાન અને ન્યાયિક પ્રશાસનમાં દખલ દેનારી ગણાવી હતી, સાથે જ વકીલ પી. સોમા સુંદરમ અને અન્ય વકીલ મુથુકૃષ્ણાને પૂછ્યું હતું કે તેમની સામે સુપ્રીમની અવમાનનાની કોર્ટવાહી કેમ શરૂ કરવામાં ના આવે? સીધા અવમાનનાની કાર્યવાહીથી વકીલો ભડક્યા હતા અને આ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. જેમાં એડવોકેટ્સ ઓન રેકોર્ડ એસોસિએશન અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના સભ્યો પણ જોડાયા હતા. વકીલોની દલીલ હતી કે પી. સોમા સુંદરમને સાંભળ્યા વગર કેવી રીતે દોષિત ઠેરવી શકો? એક તક તો આપવી પડે. અન્ય વકીલે કહ્યું કે તમે વકીલોની કારકિર્દી આ રીતે ખતમ ના કરી શકો. વકીલોના વિરોધ બાદ સુપ્રીમે પોતાના આદેશમાં સંશોધન કર્યું હતું અને વકીલોને મામલામાં પોતાનું સ્પષ્ટીકરણ આપવાની તક આપી હતી. સુપ્રીમે નવા આદેશમાં વકીલોને પૂછ્યું હતું કે તેઓએ તથ્યો સાથે છેડછાડ કરીને કઇ સ્થિતિમાં અરજી કરી તેનો એક સપ્તાહમાં સોગંદનામુ દાખલ કરીને જવાબ રજુ કરવામાં આવે.
આ પહેલા ૨૮ માર્ચે વકીલ સોમા સુંદર હાજર નહોતા થઇ શક્યા તેથી બેંચે નારાજગી વ્યક્ત કરી હતી, સુપ્રીમમાં વિશેષ અનુમતિ પિટિશન પર સુનાવણી ચાલી રહી હતી, ન્યાયાધીશ બેલા. એમ. ત્રિવેદીએ ટકોર કરતા કહ્યું હતું કે તમારે આ પિટિશન દાખલ જ નહોતી કરવી જોઇતી, અમે આને હલકામાં નહીં લઇએ, આ અયોગ્ય રીતે લાભ લેવાનો પ્રયાસ છે. એક વકીલે કહ્યું કે માઇ લોર્ડ મેરે વિદ્વાન મિત્ર…બાદમાં ન્યાયાધીશ ત્રિવેદીએ કહ્યું હતું કે વિદ્વાન મિત્ર ના કહો, અમે પરેશાન અને દુખી છીએ, અવાર નવાર આવી સ્થિતિ સામે આવે છે. જેનો વિરોધ કરતા કેટલાક વકીલોએ કહ્યું હતું કે એઓઆર વ્યાજબી કારણોસર ક્યારેક હાજર ના પણ થઇ શકે. જોકે બેંચે આ દલીલ ફગાવી હતી, આ સમયે માહોલ ગરમાઇ ગયો હતો. વકીલ સોમા સુંદરમ શહેરથી બહાર હતા અને તામિલનાડુનો પ્રવાસ કરી રહ્યા હતા. તેઓ આજે પોતાની મુસાફરીની ટિકિટ સાથે હાજર થયા છે. સાથે જ માફી પણ માગી લીધી છે. બાદમાં બેંચે અરજીમાં ખામી અને હકીકત છુપાવી હોવાનું કહ્યું જેથી બાદમાં વકીલો અને બેંચ વચ્ચે માહોલ ગરમાયો હતો. જોકે અંતે મામલો શાંત પડયો હતો.