Ambaji Rain: બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહાકુંભ દરમિયાન જ ભારે વરસાદ ખાબક્યો છે. મેઘરાજાએ મન મૂકીને વરસતા યાત્રાળુઓ અને આયોજકો માટે કપરી પરિસ્થિતિ સર્જાઈ છે. ભારે પવન અને વરસાદને કારણે મેળામાં કેટલીક જગ્યાએ હોર્ડિંગ્સ અને ડોમના પડદા ફાટી ગયા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મેઘમહેર: 123 ડેમ હાઈ એલર્ટ પર, નર્મદા ડેમ 92 ટકા ભરાયો, જુઓ રાજ્યના અન્ય ડેમની સ્થિતિ
અંબાજી મંદિર તરફ જતા મુખ્ય માર્ગો પર નદીની જેમ પાણી
વરસાદના કારણે ભાદરવી પૂનમ નિમિત્તે ઊભા કરવામાં આવેલા સ્ટોલોમાં પણ પાણી ભરાયા છે, જેનાથી વેપારીઓને મોટું નુકસાન થયું છે. અંબાજી મંદિર તરફ જતા મુખ્ય માર્ગો પર નદીની જેમ પાણી વહેવા લાગ્યું હતું, જેના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી છે. આ વહેતા પાણીમાં કેટલાક યુવાનો અને બાળકો મસ્તી કરતા અને વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા.
વરસાદના કારણે અંબાજી જતા હજારો પદયાત્રીઓ અટવાયા
વરસાદના કારણે અંબાજી જતા હજારો પદયાત્રીઓ અટવાયા હતા. જોકે, અનેક શ્રદ્ધાળુઓએ વરસાદમાં પણ ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના નાદ સાથે પોતાની પદયાત્રા ચાલુ રાખી હતી. આ ઘટનાએ યાત્રાળુઓની અતૂટ શ્રદ્ધાનો પરિચય આપ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ભાદરવો ભરપૂર: કડાણા અને ધરોઇ ડેમમાંથી પાણી છોડાયું, અમદાવાદમાં રિવરફ્રન્ટનો નિચલો હિસ્સો બંધ
આ અણધારી પરિસ્થિતિને કારણે મેળાના આયોજન અને વ્યવસ્થાપનમાં પણ વિક્ષેપ પડ્યો છે, જેને ફરીથી ગોઠવવા માટે તંત્ર કામે લાગ્યું છે.