મુંબઈના ગ્રાન્ટ રોડની હોટલ પર પોલીસનો છાપો : મોબાઈલ એપથી સટ્ટો રમાડાતો હતો : આંગડિયા દ્વારા રોકડના વ્યવહારો કરાતા હતા
મુંબઈ/ મોરબી : રવિવારે સમાપ્ત થયેલા એશિયા કપની મેચ પર સટ્ટો રમાડતા મૂળ ગુજરાતના મોરબીના એક શખ્સની મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારની એક હોટલમાંથી ડીપી માર્ગ પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી.
મોરબીના 32 વર્ષીય વસીમ કાંડાએ પોલીસને જણાવ્યું હતું કે તે મિત્રો અને પરિચિતો પાસેથી મળેલા ઓર્ડરના આધારે લેજર બુક એપ દ્વારા સટ્ટો લગાવતો હતો. બધા વ્યવહારો રોકડમાં કરવામાં આવ્યા હતા અને વિજેતાઓને બે દિવસમાં એચપી આંગડિયા (મોરબી) દ્વારા પૈસા ચૂકવવામાં આવતા હતા. પોલીસે આ સટ્ટાબાજી નેટવર્કનો પર્દાફાશ કરવા માટે આંગડિયા લિંકની તપાસ કરી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ, ગ્રાન્ટ રોડ સ્થિત હોટલના રૂમ નંબર 310 માં એક શખ્સ મોબાઈલ ફોન અને લેપટોપનો ઉપયોગ કરીને ઓનલાઈન સટ્ટો રમી રહ્યો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે કામગીરી કરતા ડીબી માર્ગ પોલીસે રાત્રે 11.30 વાગ્યાની આસપાસ હોટલ પર દરોડો પાડયો હતો. આ બાદ રૂમમાં તપાસ કરતા પોલીસને 1 લેપટોપ, 1 આઈપેડ અને 6 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. વધુમાં પોલીસે તેના કબજામાંથી રૂ. 1.18 લાખના સટ્ટા સંબંધિત અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. તપાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે આરોપી સટ્ટાબાજીના ચાર્ટ અને આંકડા જાળવા માટે એક લેજર ઓકે એપનો ઉપયોગ કરતો હતો.