Maharashtra Minister Girish Mahajan: રવિવારે મહારાષ્ટ્રના જળ સંસાધન મંત્રી ગિરીશ મહાજને દાવો કર્યો હતો કે કેટલાક વિપક્ષી નેતાઓ, ખાસ કરીને શિવસેના (UBT) ના સાંસદો ભાજપ સાથે સંપર્કમાં છે. તેમણે ભાજપના સાંસદોની સંખ્યામાં વધારો થવાનો સંકેત આપ્યો હતો. મહાજને કહ્યું હતું કે, ‘ભાજપના સાંસદોની સંખ્યા વધી શકે છે. ચાર સાંસદો પહેલાથી જ સંપર્કમાં હતા અને હવે 3 સાંસદો જોડાય તેવી શક્યતા છે. આ સાંસદો અલગ અલગ પક્ષોના છે. તેમાંથી મોટાભાગના શિવસેના UBTના સભ્યો છે.
ભાજપના સાંસદોની સંખ્યા વધુ વધશે
મંત્રી ગિરીશ મહાજને કહ્યું કે, ‘ભાજપના સાંસદોની સંખ્યા વધુ વધશે. પહેલા ચાર સાંસદો અમારા સંપર્કમાં હતા, હવે વધુ ત્રણ સાંસદો જોડાવવા જઈ રહ્યા છે. આ સાંસદો અલગ અલગ પક્ષોના છે, પરંતુ તેમાંથી મોટાભાગના શિવસેના (UBT) ના છે.’ મહાજને ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કરતા કહ્યું કે ‘ઠાકરે બ્રાન્ડ’ હવે મહારાષ્ટ્રમાં તેની ચમક ગુમાવી ચૂકી છે.
ઠાકરે નામ હવે પહેલા જેવું રહ્યું નથી
સાંસદ સંજય રાઉતે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, ‘ઠાકરે માત્ર એક બ્રાન્ડ નથી પણ મહારાષ્ટ્ર, મરાઠી લોકો અને હિન્દુ ગૌરવની ઓળખ પણ છે.’ જેના પર મહાજને કહ્યું કે, ‘ઠાકરે બ્રાન્ડ ઘણા સમય પહેલા તેનું મહત્ત્વ ગુમાવી ચૂકી છે. શિવસેનાના વાસ્તવિક નેતા બાળાસાહેબ ઠાકરે હતા, 2019માં ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું, ત્યારબાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. તેમણે બાળાસાહેબના વિચારોનો ત્યાગ કર્યો. તેથી ઠાકરે બ્રાન્ડનું અસ્તિત્વ નથી રહ્યું.’
આ પણ વાંચો: ઓપરેશન સિંદૂરથી માંડી બિહારની SIR પ્રક્રિયા.. સંસદમાં આજથી ચોમાસુ સત્ર, હોબાળાની શક્યતા
મહાજને વિપક્ષી નેતાઓના આરોપોને ખોટા ગણાવ્યા
જ્યારે કેટલાક વિપક્ષી નેતાઓએ આરોપ લગાવ્યો કે એકનાથ શિંદેની સરકાર કેટલીક ‘સીડી’ના કારણે બની છે, ત્યારે મહાજને આ આરોપોને ખોટા ગણાવ્યા અને કોંગ્રેસના નેતા નાના પટોલેની ટીકા કરી. તેમણે કહ્યું, ‘લોકો ફક્ત હવામાં વાતો કરી રહ્યા છે. ક્યારેક તેઓ સીડી વિશે વાત કરે છે, ક્યારેક પેન ડ્રાઇવ વિશે. જો તમારી પાસે કોઈ પુરાવા હોય, તો તે વિધાનસભા અધ્યક્ષને આપો. પુરાવા વિના બોલવાનો શું મતલબ?’
ઠાકરે-સીએમ ફડણવીસ મુલાકાતને સામાન્ય ગણાવી
વિધાનસભા પરિસરમાં ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની તાજેતરની મુલાકાત અંગે તેમણે એમ પણ કહ્યું, ‘તે એક સરળ વાતચીત હતી. દરેક વખતે કડવાશ કે અથડામણની જરૂર નથી.’