– કડાણા, પાનમ અને ધરોઇ ડેમમાંથી પાણી છોડાયું
– અધિકારીઓ અને કર્મચારીઓને તા. ૮મી સુધી હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો : તકેદારીના તમામ પગલાં લેવા સૂચના : નદી કિનારે, ખેતરો કે નિચણાવાળા વિસ્તારોમાં ન જવા તાકીદ
નડિયાદ : ખેડા જિલ્લા અને ઉપરવાસમાં વરસાદના કારણે કડાણા, પાનમ અને ધરોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહી અને સાબમતી નદીમાં જળસ્તર વધવા સંભાવના છે. જેના પગલે મહી નદીના કાંઠાના ગામો અને વિસ્તારોને તકેદારીના પગલાં લેવા માટે તાકીદ કરી છે. તેમજ ગળતેશ્વર, ઠાસરા, ખેડા અને માતર તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
નડિયાદ સહિત જિલ્લામાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે.ખેડા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ ત્રણ ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહી અને સાબમતી નદીમાં જળસ્તર વધવાની શક્યતા રહેલી છે. જિલ્લા કલેક્ટરના આદેશથી અધિક નિવાસી કલેક્ટરે પરિપત્ર બહાર પાડીને જિલ્લાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આગામી ૮ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી પૂર્વ મંજૂરી વગર હેડક્વાર્ટર ન છોડવા આદેશ કર્યો છે. આ આદેશનું પાલન ન કરનાર સામે શિક્ષાત્મક પગલાં ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નડિયાદ સહિત જિલ્લામાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. કડાણા ડેમમાંથી આજે બપોરે ૨ વાગ્યે ૩.૫૦ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પાનમ ડેમમાંથી બપોરે એક વાગ્યે ૭૮,૩૫૬ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ સંયુક્ત પ્રવાહને કારણે વણાંકબોરી વિયર પરથી સાંજે ચાર વાગ્યે અંદાજિત પાણીનો પ્રવાહ ૧.૮૬ લાખ ક્યુસેકથી વધીને ૪.૨૮ લાખ ક્યુસેક થવાની સંભાવના છે. આ જોખમને ધ્યાનમાં રાખીને ફ્લડસેલ મહી બેઝિન નડિયાદ કચેરી દ્વારા મહી નદીના કાંઠાના ગામો અને સ્થાનિક, જિલ્લા વહીવટી તંત્રને તમામ જરૂરી સાવચેતીના પગલાં લેવા માટે જાણ કરવામાં આવી છે. ખાસ કરીને ગળતેશ્વર અને ઠાસરા તાલુકાના ગામોને એલર્ટ કરાયા છે. કલેક્ટરે નદી કિનારે રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા અને નદી કિનારે આવેલા ખેતરો કે નિચાણવાળા વિસ્તારોમાં ન જવા તાકીદ કરી છે. આ ઉપરાંત ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા ખેડા અને માતર તાલુકાના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. ખેડા જિલ્લામાં આવતીકાલ રવિવારે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ડેમ અને નદીઓના જળસ્તરની સ્થિતિ
કડાણા ડેમ : ૧૨૭.૦૩ મીટરનું જળસ્તર, ૨,૯૭,૮૧૫ ક્યુસેક પાણીની આવક અને ૩,૦૨,૪૨૫ ક્યુસેક પાણીની જાવક
પાનમ ડેમ : ૧૨૭.૨૦ મીટરનું જળસ્તર, ૬૭,૬૮૨ ક્યુસેક પાણીની આવક અને ૭૮,૩૫૬ ક્યુસેક પાણીની જાવક
વણાંકબોરી વિયર : ૭૧.૩૨ મીટરનું જળસ્તર, ૨,૨૨,૦૦૦ ક્યુસેક પાણીની આવક અને ૨,૨૦,૩૦૦ ક્યુસેક પાણીની જાવક.
શેઢી (ડાકોર બ્રિજ) : ૩.૮૦ મીટરનું જળસ્તર અને ૧૧,૦૬૦ ક્યુસેક પાણીનો પ્રવાહ.
મહોર (કઠલાલ બ્રિજ) : ૦.૬૦ મીટરનું જળસ્તર અને ૧૩૨૫ ક્યુસેક પાણીનો પ્રવાહ.