– શિપ રિસાકલિંગ ઉદ્યોગમાં મંદીની મૌસમ : માર્ચ- 2025 માં અલંગમાં 11 શિપ આખરી સફરે આવ્યા
– નાણાંકીય વર્ષ 2024-25 દરમિયાન 113 જહાજે અલંગમાં પોતાની આખરી સફર ખેડી : ઘટાડા પાછળ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા,બીઆઈએસનો કાયદો અડચણરૂપ
ભાવનગર : ભાવનગરની આર્થિક કરોડરજ્જૂ ગણાતા શિપ રિસાયકલિંગ ઉદ્યોગમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધા ઉપરાંત બીઆઈએસનો કાયદો અમલી હોવાથી શિપ બ્રેકરો વધારે સંખ્યામાં શિપ લાવવાનું સાહસ કરતા નથી અને તેના કારણે સતત ત્રીજા નાણાંકીય વર્ષમાં અલંગમાં આવતા શિપની સંખ્યામાં ઘટાડો થયો છે. માર્ચ-૨૦૨૪માં ૧૧ શિપ અને ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન અલંગમાં માત્ર ૧૧૩ શિપ ભંગાણાર્થે આવ્યા છે.
અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં ભંગાણાર્થે આવતા શિપોમાંથી નિકળતી લોખંડની પ્લેટોમાંથી રોલિંગ મિલો ટીએમટી સળિયા બનાવતી હતી અને તેના કારણે સિહોર અને તેની આજુબાજુના વિસ્તારમાં રિ-રોલિંગ મીલ ઉદ્યોગ વિકસ્યો છે. પરંતુ ૧લી ઓક્ટોબર ૨૦૧૪થી બીઆઈએસનો કાયદો અમલી થયો જેમાં અલંગમાં આવતા શિપોમાંથી નિકળતી પ્લેટોમાંથી ટીએમટી સળિયા બનાવવા પર પ્રતિબંધ લાગતા રોલિંગ મીલોમાં અલંગની લોખંડની પ્લેટોની જે મોટી માંગ હતી તે ઘટી ગઈ, ઉપરાંત દક્ષિણ એશિયામાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથેની સ્પર્ધાના લીધે અલંગમાં આવતા શિપોની સંખ્યામાં સતત ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઉતાર-ચડાવ ઉપરાંત દેશના આંતરિક બજારમાં સ્ક્રેપની માંગમાં ધરખમ ઘટાડો થવાથી શિપ બ્રેકરો પણ વધારે શિપ લાવવા અચકાય રહ્યાં છે અને તેના લીધે હવે અલંગના શિપ બ્રેકરો જરૂરિયાત પ્રમાણે સિમિત સંખ્યામાં શિપ લાવી રહ્યાં છે અને તેની સીધી અસર અલંગમાં આવતા શિપની સંખ્યા પર પડી રહી છે. સતત ત્રીજા નાણાંકીય વર્ષમાં અલંગમાં આવતા શિપની સંખ્યામાં ઘટાડો થયો છે. માર્ચ-૨૦૨૪માં અલંગમાં ૧૧ શિપ આવ્યા છે. જ્યારે નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન અલંગમાં માત્ર ૧૧૩ શિપે પોતાની આખરી સફર ખેડી છે ત્યારે યુરોપિયન યૂનિયનની માન્યતા ઉપરાંત બીઆઈએસનો કાયદો હળવો બને તો ફરી અલંગમાં મંદીના વાદળો હટશે તેવી આશા સેવાઈ રહી છે.